ભારતીય નૌકાદળે હિંદ મહાસાગરમાં સોમાલિયન ચાંચિયાઓથી બાંગ્લાદેશી જહાજને બચાવી લીધું છે. 12 માર્ચે, મોઝામ્બિકથી સંયુક્ત આરબ અમીરાત (UAE) જઈ રહેલા બાંગ્લાદેશી વેપારી જહાજ અબુલ્લા પર 15-20 સશસ્ત્ર લૂંટારાઓએ હુમલો કર્યો હતો.
આ જહાજ સોમાલિયાની રાજધાની મોગાદિશુથી લગભગ 1100 કિમી દૂર હતું. બોર્ડમાં બાંગ્લાદેશના 23 ક્રૂ મેમ્બર હતા. હાઇજેકની માહિતી મળતા જ ભારતીય નૌકાદળે ક્રૂ મેમ્બરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી, જ્યારે કોઈ જવાબ ન મળ્યો, તો નૌકાદળે તેના પેટ્રોલિંગ એરક્રાફ્ટને જહાજ પર નજર રાખવા માટે મોકલ્યા.
14 માર્ચની સવારે ભારતીય યુદ્ધ જહાજે એમવી અબ્દુલ્લાને બચાવ્યા હતા. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર જહાજમાં હાજર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ જહાજ બાંગ્લાદેશની કબીર સ્ટીલ રી-રોલિંગ મિલ્સ નામની કંપનીનું છે. તેના પર લગભગ 55 હજાર ટન કોલસો હાજર હતો.
અપહરણ પછી, 13 માર્ચે, બાંગ્લાદેશી મીડિયા ઢાકા ટ્રિબ્યુને જહાજ પરના એક ક્રૂ મેમ્બરને ટાંકીને જણાવ્યું હતું કે લગભગ 50 ચાંચિયાઓએ તેમના પર હુમલો કર્યો હતો. આફ્રિકાના મેરીટાઇમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે નવેમ્બરથી એડનની ખાડીમાં જહાજોને હાઇજેક કરવાના 20 પ્રયાસો થયા છે.
ગયા વર્ષે ઇઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆતથી, અરબી અને લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અલ જઝીરાના જણાવ્યા અનુસાર, છેલ્લી વખત સોમાલી ચાંચિયાઓએ 2008થી 2018 દરમિયાન જહાજ પર હુમલો કર્યો હતો. જોકે, 2018 પછી આવી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.