જેતપુરના ઇલાહી ચોક, નવાગઢ ખાતે રહેતા રબારી યુવાનની આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ તેની પત્નીના મૃતક સાથે આડા સબંધ હોવાથી હત્યા કર્યાનું કબુલ્યું હતું. નવાગઢના ઇલાહી ચોકમાં રહેતા દેવાભાઈ સીદાભાઇ રાઠોડ નામના રબારી યુવાનની હત્યાના બનાવમાં સીટી પોલીસે મૃતકના પડોશમાં રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે ઇલિયાસ અમીન શેખની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી અારંભાઇ હતી. નોંધનીય છે કે અગાઉ પણ ઇલિયાસની પત્ની અન્ય યુવક સાથે ભાગી ગઇ ત્યારે મિત્રએ જ સમાધાનકારી ભૂમિકા ભજવી હતી અને હવે એ જ વેરી બન્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આશરે પાંચ મહિના અગાઉ ઈલિયાસની પત્ની પાડોશમાં રહેતા એક યુવક સાથે ભાગી ગઇ હતી ત્યારે દેવાએ ઈલિયાસની પત્નીને પરત લાવવામાં મદદ કરી હતી. તેમજ ઈલિયાસની પત્નિને સમજાવી બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આ બનાવ બાદ દેવો અવારનવાર ઈલિયાસના ઘરે બેસવા જતો હોવાથી આરોપીને તેની પત્નીના મૃતક સાથે આડા સંબંધ હોવાની શંકા ગઇ હતી અને હત્યા નિપજાવ્યાનું કબૂલ્યું હતું. જે કબુલાતના આધારે પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.