સોજિત્રા તાલુકાના ગામો મગરોના વસવાટ માટે જાણીતા છે. અહીંના તળાવમાં 250થી વધુ મગરો વસવાટ કરે છે. છતાંયે ક્યારેય મગરોએ જીવલેણ હુમલો કર્યો નથી. ત્યારે સોજિત્રા તાલુકામાં સૌથી વધુ મગર ધરાવતા ડભોઉ, મલાતજ કે દેવા તળપદ ગામે ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટે સોજિત્રાના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરી હતી. તેના પગલે આણંદ વન વિભાગ દ્વારા દરખાસ્ત તૈયાર કરીને મોકલવાની કામગીરી ચાલી રહી છે.
તાજેતરમાં વન વિભાગ દ્વારા વડોદરાની એક એજન્સીને બોલાવીને ત્રણેય ગામોની મુલાકાત લીધી છે. સ્થળ તપાસ કરી ક્રોકોડાઇલ પાર્ક માટે જરૂરી જગ્યાએ તેમજ કયા વિસ્તારમાં કેવી સુવિધા ઉભી કરવી વગેરે ચર્ચા કરીને તેના આધારે ફાઇનલ નકશો તૈયાર કરીને દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપવાની તૈયારીઓ હાલ વન વિભાગ દ્વારા હાથધરવામાં આવી છે. સોજિત્રામાં ક્રોકોડાઇલ પાર્ક બનાવીને નવું પર્યટન સ્થળ ઊભુ કરીને પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે. સોજિત્રા ડભોઉ કે મલાતજ ગામમાં ક્રોકોડાઇલ પાર્ક બને તો આ વિસ્તારમાં અન્ય ઉદ્યોગ કે જોવા લાયક સ્થળ ન હોવાથી ઝડપી વિકાસ થઇ શકે તેમ છે. જે માટે સ્થાનિક ધારાસભ્ય વિપુલભાઇ પટેલ દ્વારા રાજ્ય સરકાર સહિત વન વિભાગને રજૂઆત કરી હતી. જેના પગલે હાલ વન વિભાગ દ્વારા ડભોઇ, મલાતજ કે દેવા તળપદ ગામે જ્યાં મગરો વધારે છે તેવા ગામમાં જગ્યા એક્વાયર કરવા સહિત પાર્કમાં કેવી સુવિધા ઉભી કરી શકાય તે માટે ચર્ચા વિચારણ કરીને દરખાસ્ત તૈયાર કરવા માટે કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.
અહીં બહારથી આવતા પ્રવાસીઓ માટે બાગ બગીચો અને બાળકો માટે રમતગમતના સાધનો તેમજ ખાણી પીણી માટે સ્ટોલ ઉભા કરવામાં આવશે. નકશો તૈયાર કરી સરકારને મોકલાશે આણંદ સોજિત્રા તાલુકાના વન વિભાગ અધિકારી બી.એમ.ડાભીએ જણાવ્યું હતું કે, ડભોઉ, મલાતજ, દેવા તળપદ ગામે ક્રોકોડાઇલ પાર્ક બનાવવા ધારાસભ્યે રજૂઆત કરી હતી. જેના પગલે વન વિભાગ દ્વારા ત્રણેય ગામોનો સર્વે કરીને નકશો તૈયાર કરી રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવાની તૈયારી ચાલી રહી છે.