ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન શરૂ થવામાં માત્ર 8 દિવસ બાકી છે. ટૂર્નામેન્ટ પહેલા તમામ 10 ટીમ્સે પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે એડન માર્કરામને બદલીને પેટ કમિન્સને નવો કેપ્ટન બનાવ્યો.
તમામ ટીમ્સે પણ પોતાના ખેલાડીઓ સાથે IPLની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્ટોરીમાં તમે 10 ટીમની સંભવિત પ્લેઈંગ-11 અને તેના ઇમ્પેક્ટ પ્લેયર વિશે જાણીશું. તે પહેલા આપણે તમામ ટીમના કેપ્ટન પર નજર કરીએ.
દિલ્હી કેપિટલ્સ ટીમના મેનેજમેન્ટે કહ્યું હતું કે જો રિષભ પંત ફિટ રહેશે તો તે ટીમની કેપ્ટનશિપ કરશે. જો તે નહીં રમી શકે તો ડેવિડ વોર્નર કેપ્ટન રહેશે. હવે BCCIએ પંતને ફિટ જાહેર કર્યો છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની આ સિઝનમાં શ્રેયસ અય્યર કેપ્ટનશિપ કરશે. ઈજાના કારણે તે છેલ્લી સિઝન રમી શક્યો ન હતો, તેની જગ્યાએ નીતિશ રાણાએ કેપ્ટનશીપ સંભાળી હતી.
આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટન બદલ્યા છે. મુંબઈએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. હૈદરાબાદની કેપ્ટનશિપ એડન માર્કરમની જગ્યાએ પેટ કમિન્સ કરશે. શુભમન ગિલ ગુજરાતનો કેપ્ટન રહેશે. બાકીની 5 ટીમના કેપ્ટન એ જ રહેશે જેમણે ગત સિઝનમાં કમાન સંભાળી હતી.