અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ચીની હોટલના નામથી પ્રખ્યાત એક રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસ પર હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ હોટલમાં ઘણા ચીની નાગરિક હાજર હતા. કેટલાક ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હોટલના એક ભાગમાં આગ જોવા મળી રહી છે. તાલિબાન સરકાર કે ચીની દૂતાવાસે હજુ સુધી આ મામલે કંઈ કહ્યું નથી.
રિપોર્ટ્સ અનુસાર- હોટલની અંદર કેટલાક ફિદાયીન હુમલાખોરો હાજર છે. આવી સ્થિતિમાં તાલિબાનના સુરક્ષા દળોને અંદર જવા માટે ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હોટલની અંદરથી ગોળીબારના અવાજો આવી રહ્યા છે. ચીનના ઘણા રાજદ્વારીઓ અવારનવાર અહીં આવે છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ચીની રાજદૂતે શુક્રવારે કાબુલમાં પોતાના દૂતાવાસની સુરક્ષાને લઈને તાલિબાન અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. બે અઠવાડિયા પહેલાં પણ આ જ વિસ્તારમાં પાકિસ્તાનના દૂતાવાસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક પાકિસ્તાની રાજદ્વારી ઘાયલ થયો હતો. સોમવારના હુમલા વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ હોટલનું અસલી નામ શેર-એ-નો છે. અહીંથી થોડે દૂર એક ગેસ્ટ હાઉસ છે અને મોટાભાગે ચીનના નાગરિકો અને રાજદ્વારીઓ અહીં આવે છે. આથી આ હોટલનું નામ જ ચાઈનીઝ હોટેલ પડ્યું. આ બિલ્ડિંગમાં સ્નૂકર હોલ અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ છે. હાલમાં આ હોટલમાંથી આગ અને ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે.
મોટો વિસ્ફોટ થયો
ન્યૂઝ એજન્સી એપીએ એક પ્રત્યક્ષદર્શીના હવાલાથી કહ્યું - હોટલની અંદર જોરદાર બ્લાસ્ટ થયો. આ પછી આગ ફાટી નીકળી હતી. ચીન અને અફઘાનિસ્તાન વચ્ચે 76 કિલોમીટર લાંબી સરહદ છે. તાલિબાન સત્તામાં આવ્યા બાદ અહીં ચીનીઓની અવરજવર વધી છે. ચીન અહીં મૂળિયાં ઉખેડવાની કોશિશ કરી રહ્યું છે.
ચીન સરકારને ડર છે કે અફઘાન તાલિબાન અને ISIS ખોરાસાન જૂથ ચીનમાં ઉઇગર મુસ્લિમોને મદદ કરી શકે છે. આથી જિનપિંગ સરકાર તાલિબાન સરકારને ખુશ રાખવાના તમામ પ્રયાસો કરી રહી છે. થોડા દિવસો પહેલાં પાકિસ્તાનના દૂતાવાસ પર થયેલા હુમલાની જવાબદારી ISISના ખોરાસાન જૂથે લીધી હતી.