સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 13મી ડિસેમ્બરથી શરૂ થયેલી પરીક્ષા હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે તારીખ 20ને મંગળવારે જસદણની એમ.ડી. કહોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં બે કોપીકેસ નોંધાયા છે. યુનિવર્સિટી તંત્રએ આ કોલેજના સીસીટીવી જોઈએ બંને વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન ચોરી કરતા પકડ્યા છે. બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં જસદણની કોલેજમાં આ બંને વિદ્યાર્થી કાપલીમાંથી જોઈને પેપર લખી રહ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાતા તેના આધારે યુનિવર્સિટીએ બંને વિદ્યાર્થીઓ સામે કોપીકેસ દાખલ કર્યો છે.
13 ડિસેમ્બરથી શરૂ થયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી પકડાવાનો સિલસિલો હજુ યથાવત્ છે. છેલ્લા સાત દિવસમાં જુદી જુદી કોલેજોમાં પરીક્ષા દરમિયાન 8થી વધુ કોપીકેસ પકડાયા છે. મંગળવારે પણ જસદણની કહોર કોલેજમાંથી બે કોપીકેસ પકડાયા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા 40 જેટલા કોર્સના 59,171 વિદ્યાર્થીની પરીક્ષા હાલ 194 કેન્દ્ર ઉપર ચાલી રહી છે. કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં મળનારી EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠકમાં નિવેદન લીધા બાદ સજા ફટકારવામાં આવશે. યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી અટકાવવા માટે કેટલાક કેન્દ્રો પર ઓબ્ઝર્વર અને સ્ક્વોડ મોકલવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક નાના-મોટા કેન્દ્રોમાં પરીક્ષા દરમિયાન ચોરીનું દૂષણ હજુ યથાવત્ હોવાની સ્થિતિ સર્જાઈ છે.
જસદણની એમ. ડી. કહોર કોલેજમાં મંગળવારે બે વિદ્યાર્થીઓ કાપલીમાંથી જોઇને પેપર લખી રહ્યા હોવાનું યુનિવર્સિટીના તંત્રને સીસીટીવી કેમેરાના માધ્યમથી ધ્યાને આવતા બંને વિદ્યાર્થીઓ સામે કોપીકેસ દાખલ કરાયા છે. 13મીથી શરૂ થયેલી પરીક્ષામાં અત્યાર સુધીમાં 8 જેટલા કોપીકેસ થયા છે. પરીક્ષા દરમિયાન ચોરી કરનારા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં મળનારી ઇડીએસીની મિટિંગમાં સજા ફટકારાશે.