પાકિસ્તાને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની નિંદા કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું- અમે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની નિંદા કરીએ છીએ. આ મંદિર બાબરી મસ્જિદને તોડીને બનાવવામાં આવ્યું હતું.
તોડી પાડવામાં આવેલી મસ્જિદની જગ્યા પર બનેલું મંદિર આવનારા સમયમાં ભારતીય લોકશાહીના ચહેરા પર ડાઘ સમાન રહેશે. ભારતમાં વધી રહેલી 'હિંદુત્વ' વિચારધારા ધાર્મિક સંવાદિતા અને પ્રાદેશિક શાંતિ માટે મોટો ખતરો છે. આમ કરીને ભારત મુસલમાનોને સાઇડલાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું- સદીઓ જૂની બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર 1992ના રોજ ઉગ્રવાદીઓના ટોળાએ તોડી પાડી હતી. દુ:ખની વાત એ છે કે, ભારતની સર્વોચ્ચ અદાલતે માત્ર જવાબદાર ગુનેગારોને નિર્દોષ છોડ્યા જ નહીં, પણ તોડી પાડવામાં આવેલી મસ્જિદની જગ્યા પર મંદિર બનાવવાની મંજૂરી પણ આપી.
ભારતમાં ઘણી મસ્જિદો ખતરામાં છે
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું- આ મામલો 31 વર્ષથી ચાલી રહ્યો છે. મંદિરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દર્શાવે છે કે ભારતમાં એક સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ ભારતીય મુસ્લિમોને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે હાંસિયામાં ધકેલી દેવાના ચાલુ પ્રયાસોમાંથી એક છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ સહિત ઘણી મસ્જિદો ખતરામાં છે. આનો નાશ પણ થઈ શકે છે.