પેગાસસ સ્પાયવૅર દ્વારા વિપક્ષી નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરોની કથિત જાસૂસી મામલે તપાસ માટે સુપ્રીમકોર્ટે રચેલી સમિતિએ તેનો રિપોર્ટ સોંપી દીધો છે. સીજેઆઇ એન. વી. રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કહ્યું કે રિટાયર્ડ જસ્ટિસ આર. વી. રવીન્દ્રનની અધ્યક્ષતાવાળી સમિતિએ સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો છે. સમિતિએ 29 લોકોના મોબાઇલ ફોન તપાસ્યા હતા, જેમાંથી 5માં માલવૅર મળ્યા છે.
જોકે, તે પેગાસસ છે કે નહીં એ નક્કી નથી થઇ શક્યું. સીજેઆઇએ કહ્યું કે સમિતિએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત સરકારે તપાસમાં સહકાર નથી આપ્યો. તેણે પેગાસસ ખરીદયું હતું કે નહીં તે જણાવવાનો ઇનકાર કરી દીધો. સીજેઆઇએ ઉમેર્યું કે સમિતિએ રિપોર્ટ પ્રકાશિત ન કરવા આગ્રહ કર્યો છે. અમે રિપોર્ટનો અમુક હિસ્સો જ વેબસાઇટ પર અપલોડ કરીશું.