વ્લાદિમીર પુટિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યાના 10 દિવસમાં જ ચીનની બે દિવસની મુલાકાતે ગયા છે. પુટિન અને જિનપિંગની મુલાકાત બાદ યુરોપ અને અમેરિકા ચિંતાતુર થયા છે. બંને દેશોને રશિયા-ચીન વચ્ચે લશ્કરી ગઠબંધનનો ડર છે. રશિયા-ચીને સૈન્ય સહયોગની પણ જાહેરાત કરી છે.
વાસ્તવમાં યુક્રેન પર હુમલાને કારણે યુરોપ અને અમેરિકાના વિરોધનો સામનો કરી રહેલું રશિયા પણ પશ્ચિમી દેશોને બતાવવા માગે છે કે તેનો મિત્ર કેટલો શક્તિશાળી છે. આ જ કારણ છે કે બંને દેશના વડાઓ કેમેરાની સામે એકબીજાને ગળે મળતાં જોવા મળ્યા હતા. પુટિન ચીનના હર્બિન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીની પણ મુલાકાત લીધી હતી. જે રોકેટ અને મિસાઈલોના સંશોધન માટે દુનિયાભરમાં જાણીતું છે. તેનાથી પશ્ચિમી દેશોની આશંકા વધુ દઢ બની છે.
એટલાન્ટિક કાઉન્સિલમાં નિષ્ણાંત માર્કોસ ગારલોસકસ જણાવ્યું છે હતું કે તે સ્પષ્ટ છે કે ચીન રશિયાને યુક્રેન હુમલા માટે સૈન્ય તકનીક પ્રદાન કરવા માટે તૈયાર છે. અમેરિકા અને યુરોપની એ પણ ચિંતા છે કે પુટિન અને જિનપિંગ પરમાણું સંપન્ન દેશોના શક્તિશાળી સરમુખત્યારશાહી છે. બંને દેશો પર અમેરિકા અને યુરોપે અનેક પ્રતિબંધો પણ લગાવ્યા છે.