રાજકોટ શહેરમાં ભેળસેળિયા તત્ત્વો બેફામ બન્યા છે અને ફૂડ શાખાએ અવારનવાર રેડ કરી સેમ્પલ લઈ કાર્યવાહી કરી છે પણ જ્યાંથી ભેળસેળ નક્કી કરાય છે તેવી જ લેબમાં જ કૌભાંડ થયા હોવાનો પર્દાફાશ થયો છે તેથી લોકોના આરોગ્ય સાથે માત્ર નફાખોરો જ નહિ આવા લેબધારકો પણ ચેડાં કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.
મરચાંના સેમ્પલ મોબાઈલ લેબમાં ચેક કર્યા
મનપાની ફૂડ શાખાએ દરજીબજારમાંથી એક ગોડાઉનમાં રેડ કરી મરચાંના સેમ્પલ મોબાઈલ લેબમાં ચેક કર્યા હતા. પ્રાથમિક ચકાસણીમાં નમૂનો ફેલ થતા મરચું, હળદર અને ધાણાજીરું સહિત 3000 કિલો જથ્થો જપ્ત કર્યો હતો અને વધુ પૃથક્કરણ માટે સેમ્પલ લેવાયા હતા. સામાન્ય રીતે આ દરેક સેમ્પલ વડોદરાની લેબમાં મોકલવાના હોય છે પણ ત્યાં ભારણ વધારે રહેતા અમદાવાદની માધુપુરામાં હસમુખ અમીન નામની વ્યક્તિની ખાનગી લેબ ગુજરાત લેબોરેટરીમાં મોકલવા ગાંધીનગરથી સૂચના આવી હતી. જેને પગલે ત્યાં સેમ્પલ મોકલાયા હતા.
સેમ્પલમાં આરોગ્યને હાનિકારક હોવાનું સામે આવ્યું
એકાદ મહિનામાં સેમ્પલનું પરિણામ આવ્યું હતું જેમાં રિપોર્ટ કન્ફર્મ હતો એટલે કે મસાલા ખાવાલાયક હોવાનો મત વ્યક્ત કરાયો હતો. પ્રાથમિક તપાસમાં ફેલ થયા હોય તે પાસ થઈ જાય તે શંકા ઉપજાવનારી બાબત હતી. બીજી તરફ આ જથ્થો સીઝ કર્યો ત્યારે જ્યાંથી માલ આવ્યો હતો તે સ્થળ ગોંડલનું હતું અને ત્યાંથી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સે કાર્યવાહી કરી હતી અને તેના સેમ્પલ પણ મોકલાયા હતા. આ સેમ્પલમાં અનસેફ એટલે કે આરોગ્યને હાનિકારક હોવાનું સામે આવ્યું હતું તેથી ફૂડશાખાએ રિટેસ્ટ માટે પૂણે સેમ્પલ મોકલાતા ત્યાંથી મરચાં પાઉડરમાં પ્રતિબંધિત અને જોખમી રંગ મળી આવ્યો હતો જેને કારણે અનસેફ એટલે આ ખાદ્ય પદાર્થોનું સેવન જોખમી હોવાનું સામે આવ્યું હતું.