યુરોપમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે ઈટાલી સહિત જર્મની, ફ્રાન્સ, હંગરી અને નેધરલેન્ડે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ વર્ષે 2 લાખ ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ (દેશનિકાલ) કરવાની તૈયારી બતાવી છે. આ દેશોમાં ગેરકાયદે ઈમિગ્રન્ટને લીધે કાયદો-વ્યવસ્થાને પડકાર મળી રહ્યો છે. તેના લીધે ધાર્મિક કટ્ટરવાદ પણ વધી રહ્યો છે. ગેરકાયદે પ્રવાસીઓ અહીં શરણાર્થીનો દરજજો મેળવવાનો પ્રયાસ કરે છે. શરણાર્થીનો દરજ્જો મળ્યા બાદ તેઓ ગુનાઈત પ્રવૃત્તિઓમાં જોડાઈ જતા હોય છે.
પાંચેય યુરોપિયન દેશો સીરિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા એશિયન દેશોની સાથે ઉત્તર આફ્રિકાના અલ્જેરિયા, મોરોક્કો અને ઇજિપ્તમાંથી આવતા મુસ્લિમ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં યુરોપિયન યુનિયન (ઈયુ)ના 27માંથી 15 દેશોએ સરહદ નિયમો લાગુ કર્યા છે. દેશો વચ્ચે મુસાફરી પર નિયંત્રણો રહેશે. જર્મનીએ પણ 16 સપ્ટેમ્બરથી તેનો અમલ કર્યો છે. તેનાથી યુરોપિયન યુનિયનના અસ્તિત્વ પર સંકટ સર્જાયું છે.