ભારત-પાકિસ્તાને એકબીજાની જેલમાં બંધ નાગરિકો અને માછીમારોની યાદી પણ સોંપી છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને જણાવ્યું છે કે તેમના 434 કેદીઓ ભારતની જેલોમાં બંધ છે. જેમાંથી 339 નાગરિકો અને 95 માછીમારો છે. જ્યારે આ તરફ પાકિસ્તાને પણ 705 ભારતીય કેદીઓની યાદી પણ શેર કરી છે. તેમાં જણાવ્યું છે કે પાકિસ્તાનની જેલમાં 51 નાગરિકો અને 654 માછીમારો કેદ છે.
ભારતે પાકિસ્તાનને તેના ભારતીય કેદીઓને વહેલી તકે મુક્ત કરવાની માંગ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જેમની સજા પૂરી થઈ ગઈ છે અને તે ભારતીય હોવાની પુષ્ટિ થઈ ગઈ છે તો તેમને મુક્ત કરી દેવામાં આવે.
બંને દેશો એકબીજા સાથે ડેટા કેમ શેર કરે છે?
2008માં બંને દેશો વચ્ચે કોન્સ્યુલર એક્સેસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હેઠળ, બંને દેશો દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ એક બીજાના નાગરિકોની માહિતી શેર કરે છે.
પરમાણુ મથકોની યાદી પણ શેર કરી
ભારત અને પાકિસ્તાને રવિવારે એકબીજા સાથે તેમના પરમાણુ મથકોની યાદી પણ શેર કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રક્રિયા છેલ્લા 32 વર્ષથી ચાલી રહી છે. બંને દેશો પરમાણુ સંસ્થાઓ અને સુવિધાઓ પર હુમલો નહીં કરવાના કરાર હેઠળ આ યાદી શેર કરે છે. આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એક સાથે પૂર્ણ કરવામાં આવી હતી.
પરમાણુ સંસ્થાઓ સંબંધિત સમજુતી શું છે?
આ સમજુતી ભારત અને પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર 1988ના રોજ કરવામાં આવી હતી. તેનો અમલ 27 જાન્યુઆરી 1991ના રોજ કરવામાં આવ્યો હતો અને પ્રથમ યાદી 1 જાન્યુઆરી 1992ના રોજ શેર કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 1 જાન્યુઆરીએ બંને દેશો આ યાદી શેર કરવામાં આવે છે.
પરમાણુ દુર્ઘટનાઓની માહિતી આપવાનો કરાર પણ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ ખતરા અંગે પણ સમજૂતી કરાઈ છે. જેને 2017માં પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી હતી. આ સમજુતી પરમાણુ હથિયારો સબંધીત દુર્ઘટનાના જોખમને ઘટાડવા માટે કરવામાં આવી હતી. આ સમજુતી અંતર્ગત બંને દેશ પોતાના ક્ષેત્રમાં પરમાણુ હથિયારોથી દુર્ઘટના થતા એક-બીજામે સૂચના આપશે. આવું એટલા માટે કારણ કે રેડિએશનના કારણે સરહદ પર પણ નુકશાન થઈ શકે છે. આ સમજુતી 21 ફેબ્રુઆરી 2004માં લાગુ કરવામાં આવી હતી. પ્રથમ વખત તેને 5 વર્ષ માટે લંબાવવામાં આવી હતી.