સાબરકાંઠા જિલ્લામાં સને 1961માં સ્ટીમ એન્જિનથી ચાલતી રેલગાડી દોઢેક વર્ષમાં ઈલેક્ટ્રીક એન્જિનથી ચાલતી હશે. 10 કિલોમીટરની સ્પીડવાળી ગાડી સીધી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હશે. જેને લઇ જિલ્લાની મુંબઈ, ચેન્નાઇ, દિલ્હી સહિતના મેટ્રોસિટી સાથે કનેક્ટિવિટી વધી જશે. અમદાવાદ-ઉદેપુર બ્રોડગેજ ટ્રેકનું ઇલેક્ટ્રીફિકેશન ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાના લક્ષાંક સાથે હાલ ઉદેપુર-ડુંગરપુર રેલવેટ્રેકનું ઇલેક્ટ્રીફિકેશન (વિદ્યુતીકરણ) કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, રૂ.1225 કરોડના આખા પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂ.950 કરોડનો ખર્ચ થઇ ચૂક્યો છે.
અમદાવાદ-ઉદેપુર રેલ્વે ટ્રેકનું બ્રોડગેજમાં રૂપાંતર થઈ ગયા બાદ હવે રૂ.300 કરોડનો ઇલેક્ટ્રીફિકેશન પ્રોજેકટ હાથ ધરાયો છે. ઉદેપુરથી જયપુર રૂટ ઈલેક્ટ્રીફાઇડ થઈ ચૂક્યો છે. માત્ર અમદાવાદથી ઉદેપુર 299 કિમીનું ઇલેક્ટ્રીફિકેશન બાકી હતું. આ બ્રોડગેજ ટ્રેકનું સંપૂર્ણ ઇલેક્ટ્રીફિકેશન થઇ ગયા બાદ ડીઝલ એન્જિન હટાવી લેવામાં આવશે અને જિલ્લાવાસીઓને હાઈસ્પીડ ટ્રાવેલિંગની સુવિધા મળતી થશે.