રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (ICCC)માં ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. વીજ વોલ્ટેજમાં વધઘટ થવાના કારણે વાયરિંગ બળતાં મોટાભાગની કામગીરી ગઈકાલથી બંધ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં તાપમાનની નોંધ લેવી તેમજ જાહેરમાં રસ્તા પર થૂંકતા લોકોને ઈ-મેમો આપવો સહિતની વિવિધ કામગીરીને અસર પહોંચી હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ કામગીરી પૂર્વવત કરવા માટે હાલ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે અધિકારીએ આ અંગે બે દિવસનું શટડાઉન લીધાનો બચાવ કર્યો હતો અને તેના કારણે ઈ-મેમો જનરેટ કરવામાં કોઈ મુશ્કેલી નહીં થવાનો દાવો પણ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર શહેરની કાયદો વ્યવસ્થા તેમજ પાન-ફાકી થૂકનારાને દંડ ફટકારવા સહિત શહેરના અલગ અલગ વિસ્તારોનું તાપમાનની નોંધ રાખવા નાનામૌવામાં મનપા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ કાર્યરત છે. 1000 જેટલા CCTV દ્વારા અહીં સતત કામગીરી કરવામાં આવતી હોય છે. જોકે ગઈકાલે જ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં વીજ વોલ્ટેજની વઘઘટના કારણે મોટાભાગનું વાયરિંગ બળી ગયું હતું. જેને લઈને ઈ-મેમો જનરેટ કરવા તેમજ તાપમાનની નોંધ રાખવા સહિતની કામગીરીને અસર પહોંચી છે.