Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નળથી જળ કાર્યક્રમ ચલાવતા જલ જીવન મિશન માટે કેન્દ્ર સરકારે ગુજરાતને 2100 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી હતી. નિયમ મુજબ તેટલી જ રકમ રાજ્ય સરકારે પણ ફાળવવી પડે એટલે કુલ 4200 કરોડ જેટલા ખર્ચના આયોજન થયા હતા અને ટેન્ડર કરાયા હતા. નાણાકીય વર્ષ 2024-25માં કેન્દ્ર તરફથી 2100 કરોડમાંથી એક રૂપિયાની ગ્રાન્ટ નથી આવી. આ કારણે 200થી વધુ ટેન્ડર અટકી પડ્યા છે તેમજ નવા ટેન્ડર રદ કરવા પરિપત્ર કરાયો છે.


જલ જીવન મિશન અંતર્ગત દરેક ગામના કસ્બામાં દરેક ઘરે નળથી પાણી પહોંચાડવાની ઝુંબેશ શરૂ કરાઇ હતી. ગુજરાતમાં તો 2022માં જ દરેક ઘર સુધી નળ પહોંચી ગયાની જાહેરાત કરી દેવાઈ હતી. આમ છતાં ત્યારબાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા અને નવા પાણીના સ્રોત સાથે જોડાણ કરી બારેમાસ પાણી મળે તે માટે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. જોકે મહીસાગર, દાહોદ, નવસારી સહિતના જિલ્લાઓમાં નળ કનેક્શનના કામોમાં ભારે ગેરરીતિ સામે આવી હતી. આ મામલે સુરત સીઆઈડીએ ફરિયાદ નોંધી હતી અને પૂર્વ ઈજનેરોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આવી જ રીતે અનેક જગ્યાએ ગેરરીતિ જોવા મળતા એજન્સીઓને ડીબાર કરવા તેમજ ચૂકવણા અટકાવ્યા હતા. મંત્રીએ પણ તમામ એજન્સીઓને ચેતવણી આપી જે પણ કામ અધૂરા થયા છે અને નબળા છે તે ફરીથી પૂરા કરવા કહ્યા હતા. જોકે આ બધી બાબતોની આડઅસર એ રહી કે કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં આવી ગેરરીતિઓ જાણી અને પછી ગ્રાન્ટ જ અટકાવી દીધી છે. ગુજરાત રાજ્યને જલ જીવન મિશનમાં એક રૂપિયો પણ માર્ચમાં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષે મળ્યો નથી. ગ્રાન્ટ નહિ આવે તેની પ્રાથમિક માહિતી જાન્યુઆરી માસમાં જ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને મળી હતી. મુદ્દો ગંભીર હોવાથી રાજ્યના નાણાં સચિવ સાથે પાણી પુરવઠા બોર્ડની બેઠક થઈ હતી અને છેવટે એવો નિર્ણય લેવાયો છે કે ગ્રાન્ટ મળવાની અનિશ્ચિતતા હોવાથી ટેન્ડર અટકાવી દેવા અને જે વર્કઓર્ડર આપવાના બાકી છે તે પણ ન આપવા. આખો કાર્યક્રમ જ કેન્સલ કરવો. રાજ્ય સરકારે તો ફંડ આપીને જે કામ ચાલુ કરાવી દીધા હતા તે કામો તો પૂરા કરવા પડે એટલે 2100ને બદલે 2600 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. આ મામલે પરિપત્ર મેળવીને મુખ્ય ઈજનેર તેમજ સચિવ સાથે વાત કરતા ગ્રાન્ટ નથી આવી તેની પુષ્ટિ થઈ છે. હવે આવતા વર્ષે ગ્રાન્ટ આવશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.