Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શ્રીલંકા બાદ પાડોશી દેશ પાકિસ્તાન પણ આર્થિક સંકટ વચ્ચે ઝઝૂમી રહ્યો છે. ચીનના દેવામાં પાકિસ્તાન એટલું ડૂબી ગયું છે કે ત્યાં ભૂખમરો, બેરોજગારી, વીજ સંકટ જેવી સમસ્યાઓ કાળ બની સામે ઊભી છે. પાકિસ્તાન સરકારે વણસતી સ્થિતિને ધ્યાનમાં રાખી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. દેશ પર તોળાતા વીજ સંકટને ટાળવા માટે પાકિસ્તાનમાં હવેથી રાત્રે 8.30 વાગ્યા બાદ મૉલ, બજારો, રેસ્ટોરાં બંધ રાખવામાં આવશે. રાત્રે 10 વાગ્યા બાદ મેરેજ હોલ પણ બંધ પાડવાની ફરજ પાડવામાં આવી છે. આ નિર્ણયથી પાકિસ્તાન સરકાર 60 અરબ રૂપિયાની બચત કરશે.

શું 2023માં પાકિસ્તાન ડિફોલ્ટર દેશ બનશે?
પાકિસ્તાનમાં આર્થિક સંકટની સાથે સાથે હવે વીજ સંકટ પણ મંડરાઈ રહ્યું છે. પાકિસ્તાન પાસે વિદેશી મુદ્રા ભંડાર પણ સમાપ્ત થવાની આરે છે અને દેશ પર દેવું પણ વધી રહ્યું છે. શહબાઝ શરીફની સરકાર પૈસા બચાવવા માટે વધુ એક નવો ઉપાય લાવી છે. સરકારી તિજોરીનો ભાર ઓછો કરવા પાકિસ્તાન સરકારે કેટલાક ફરમાન જાહેર કર્યા છે, જેમાં વીજ વપરાશ ઘટાડવા બલ્બ અને પંખાઓનું ઉત્પાદન બંધ કરવા ફરમાન જાહેર કરાયું છે.

કેટલી કેટલી જગ્યાએ પાબંદી?
પાકિસ્તાન સરકારના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી છે કે બજારો અને મૉલ રાત્રિના 8.30 વાગ્યા બાદ બંધ થઈ જશે. એ સમયે દુનિયાભરમાં 60થી 80 વોટના પંખાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં પાકિસ્તાન દેશમાં 120થી 130 વોટના પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. એના કારણે વધુ વીજપુરવઠો વપરાય છે. આ સ્થિતિમાં સરકારે વધુ વોટવાળા પંખાના ઉત્પાદન પર જુલાઈ મહિનાથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મોટા બલ્બનું ઉત્પાદન પણ બંધ કરાશે. સ્ટ્રીટ લાઈટ્સ પણ બંધ કરવામાં આવશે અને કોનિકલ ગીઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે. વર્ષના અંત સુધીમાં આયાતી તેલનો ઉપયોગ ઘટાડવા માટે સરકાર ઈલેક્ટ્રિક મોટરસાઇકલ પર વધુ ભાર આપશે અને એનું ઉત્પાદન વધારશે. પાકિસ્તાની ન્યૂઝપેપર ડૉનએ રક્ષામંત્રી ખ્વાજા આસિફના હવાલેથી કહ્યું હતું કે "આ યોજના દેશની સમગ્ર જીવનશૈલીને બદલી નાખશે અને પાકિસ્તાન સરકારને આ યોજનાથી 26 મિલિયન ડૉલરની બચત થશે."

સરકારી કચેરીઓમાં વીજ વપરાશ નહીં
વીજ સંકટને કારણે પાકિસ્તાન સરકારની કેબિનેટ બેઠક પણ ખુલ્લા મેદાનમાં મળી હતી. આ યોજનાને ધ્યાનમાં રાખીને કેબિનેટના મંત્રીઓએ બહાર બેસીને બેઠક કરવાનો નિર્ણય લીધો. રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે "સરકારી કચેરીઓ અને કાર્યાલયોમાં પણ વીજ વપરાશ ઓછો થાય એ માટે આગામી 10 દિવસમાં રણનીતિ બનાવવામાં આવશે. એનું ઉદાહરણ છે બહાર ખુલ્લા આકાશ નીચે મળેલી બેઠક."