કર્ણાટક વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થશે ત્યારે કોંગ્રેસે ગુરુવારે 42 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તેમાં સૌથી ચર્ચાસ્પદ નામ ગુરમિટકલ બેઠકના બાબુરાવ ચિંચનસુરનું છે. બાબુરાવ ગયા મહિને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના જીવનમાં પ્રથમ રાજકીય હાર અપાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. ગુરમિટકલ કોંગ્રેસ માટે ખૂબ મહત્ત્વની બેઠક છે કારણ કે ખડગે અહીંથી સતત આઠ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. બાબુરાવ સિવાય ભાજપના અન્ય પૂર્વ ધારાસભ્ય એન.વાય. ગોપાલકૃષ્ણને મોલાકલમુરુની બેઠક મળી છે. જેડીએસમાંથી ચાર વખત હાંકી કઢાયેલા ધારાસભ્ય એસ.આર. શ્રીનિવાસને ગુબ્બીથી ટિકિટ અપાઈ છે.
આ યાદીમાં અમુક પૂર્વ મંત્રીના નામ પણ છે, જે ગઇ ચૂંટણીમાં હાર્યા હતા. પૂર્વ સીએમ ધરમસિંહના પુત્ર વિજય સિંહને બસવકલ્યાણ બેઠક પરથી મેદાનમાં ઉતારાયા છે, જ્યારે કોંગ્રેસે પ્રથમ યાદીમાં વિજયના ભાઈ અજય ધરમ સિંહને જેવરગી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.