ચીનમાં કોવિડ ટેસ્ટ કીટ બનાવતી ફેક્ટરીમાં હિંસા થઈ હતી. વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર દવાઓના બોક્સ ફેંક્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લોકોને નોકરીમાંથી કાઢી મુકવા અને પગાર ન મળવાથી રોષે ભરાયા હતા. જ્યારે તેઓએ વિરોધ કર્યો તો પોલીસે તેમને રોક્યા અને તેના કારણે હિંસા થઈ હતી.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ચૂંગકિંગ શહેરમાં કોવિડ ટેસ્ટ કીટ બનાવતી જાયબાયો કંપનીએ ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા અને પગાર પણ આપ્યો નહોતો. આ પછી પ્રદર્શનકારીઓની ફેક્ટરીની બહાર સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ થયું. હિંસાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે વિરોધ કરી રહેલા લોકો પોલીસ પર દવાના ખાલી બોક્સ અને સ્ટૂલ ફેંકી રહ્યા છે. પોલીસકર્મીઓ ભાગતા જોવા મળે છે. તેમણે હેલ્મેટ અને સેફ્ટી ગિયર પહેર્યા છે.
વીડિયોમાં લોકો નારા લગાવતા સાંભળી શકાય છે. તેઓ કહે છે- અમારા પૈસા પાછા આપો. પોસ્ટ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું- આ ઝીરો-કોવિડ પોલિસી હટાવવાનું પરિણામ છે, હવે કોરોના યુગમાં ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. કારણ કે તેમના કહેવા પ્રમાણે, હવે ઉત્પાદન ઓછું થશે, તેથી કંપનીમાં વધુ લોકોની જરૂર નથી.
ચાઇના કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખતી માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગે પણ ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, કોરોના ટેસ્ટ કીટ બનાવતી કંપનીમાંથી લગભગ 10,000 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ પ્રદર્શનો શરૂ થયા હતા.