ચેટ જીપીટી નિર્માતા ઓપન એઆઈ હાલ એક નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે, જેને ‘સ્ટ્રોબેરી’ નામ અપાયું છે. આ પ્રોજેક્ટનો હેતુ એઆઈ મૉડલ્સની એડવાન્સ રિઝનિંગમાં સુધારો કરવાનું છે. હાલ ઉપલબ્ધ એઆઈ મૉડલ્સ ડેટાના આધારે જ સવાલોના જવાબ આપવામાં અથવા કોઈ અન્ય ટાસ્ક કરવામાં સક્ષમ છે. તે મનુષ્યની વિચારસરણી તેમજ તર્કશક્તિ સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ છે. તેથી ‘સ્ટ્રોબેરી પ્રોજેક્ટ’નો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
‘સ્ટ્રોબેરી’ મૉડલ એક એવી ટેક્નોલોજી પર આધારિત છે જે એઆઈ મોડલને સવાલોના જવાબ આપવામાં જ સીમિત નથી રાખતું, બલકે તેને એ રીતે સક્ષમ બનાવે છે કે તે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કન્ટેન્ટને નેવિગેટ પણ કરી શકે છે અને સંશોધન કરી શકે છે. હાલમાં ઉપલબ્ધ લાર્જ લેંગ્વેજ મોડલ લાંબા રિપોર્ટનો સારાંશ આપવા માટે સક્ષમ છે, પરંતુ આ મોડલો માણસોની જેમ લેખો લખી શકતા નથી અને માનવીની જેમ ઊંડાણપૂર્વક સંશોધન કરી શકતા નથી.
આવી સ્થિતિમાં તાજેતરનાં મોડલો ઘણીવાર ખોટી માહિતી આપે છે. ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને કહ્યું છે કે ‘સ્ટોબેરી’ પ્રોજેક્ટ એઆઈ મોડલ્સને આ પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવશે. કંપનીનું કહેવું છે કે અમે ઈચ્છીએ છીએ કે આ એઆઈ મોડલ અમારી જેમ દુનિયાને જોઈ અને સમજી શકે.
‘સ્ટોબેરી’ મોડલ સત્તાવાર રીતે ક્યારે માર્કેટમાં આવશે તે અંગે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. કંપનીએ આ પ્રોજેક્ટને ગુપ્ત રાખ્યો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે એક આંતરિક બેઠકમાં પ્રોજેક્ટનો ડેમો બતાવવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે માણસ જેવી તર્ક કુશળતા ધરાવે છે.