જાન્યુઆરી 2024માં યોજાનારી ચૂંટણી પહેલાં બાંગ્લાદેશમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતાઓની મોટા પાયે ધરપકડ બાદ માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે જ્યારે શેખ હસીના પીએમ પદ પર યથાવત્ છે ત્યારે નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે નહીં. દરમિયાન, બુધવારે બાંગ્લાદેશના મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલ સાથે મુલાકાત કર્યા પછી બાંગ્લાદેશમાં અમેરિકી રાજદૂત પીટર હાસે સલાહ આપી કે તમામ પક્ષો તણાવ ઘટાડવા માટે બિનશરતી વાટાઘાટોમાં જોડાશે અને સ્વતંત્ર, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વના નિર્ણયો લઈશું.
અમેરિકન રાજદૂતની સલાહ પર વડાપ્રધાન અને અવામી લીગના વડાં શેખ હસીના ગુસ્સે થઈ ગયાં. તેમણે કહ્યું, શું બાઈડેન ટ્રમ્પ સાથે વાટાઘાટો કરશે ? જ્યારે બાઈડેન ટ્રમ્પ સાથે બેસીને વાત કરશે ત્યારે હું વિપક્ષ સાથે પણ વાત કરીશ. પીએમ હસીનાએ કહ્યું કે હત્યારાઓ સાથે કોઈ વાતચીત નહીં થાય.
દેશની જનતા પણ નથી ઈચ્છતી કે હત્યારાઓ સાથે કોઈ ચર્ચા થાય. તેમણે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશમાં યોજાનારી ચૂંટણી સમયસર યોજાશે. પીએમ હસીનાએ કહ્યું કે વિપક્ષ બીએનપી પાર્ટી ચૂંટણીથી ડરે છે, તેથી ચૂંટણી સ્થગિત કરાવવા માટે નવી-નવી યુક્તિઓ અપનાવાની રહ્યા છે. બીએનપી આતંકવાદીઓની પાર્ટી છે, તેમને પાઠ ભણાવવાની જરૂર છે. બીએનપીએ 25 ઓક્ટોબરે માત્ર ચૂંટણીને સ્થગિત કરવા માટે દેશમાં હિંસા ફેલાવી હતી 2014 અને 2018ની જેમ આ વખતે પણ અમે હિંસા દ્વારા ચૂંટણી રોકી શકીશું નહીં. ચૂંટણી સમયસર જ યોજાશે. એક પત્રકારના સવાલના જવાબમાં શેખ હસીનાએ કહ્યું કે જે હાથથી તેમણે બસ સળગાવી હતી તે લોકોને સળગાવી દેવા જોઈએ.