રાજકોટ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.દર્શિતા શાહ દ્વારા આજે શહેરમાં વીરાંગના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 150થી વધુ સ્કૂટર લઈને મહિલાઓ રેલીમાં જોડાઈ હતી. જેમાં મહિલાઓનો જુસ્સો વધારવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર રહ્યા હતા અને લોકોને મતદાનની અપીલ કરી હતી.
આ અંગે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવાએ મીડિયાએ જણાવ્યું હતું કે, વિરાંગના સ્કુટી રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા અને અનોખો જુસ્સો જોવા મળ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકતંત્રમાં મહિલાઓને જે તક આપી છે તેમાં તેઓ ખૂબ જ સક્રિય છે.ભાજપ મહિલા મોરચા ઘરે ઘરે જઈ લોકોને મતદાન માટે અપીલ કરી રહ્યું છે અને દર્શિતાબેન શાહ જંગી બહુમતીથી જીત મેળવશે. ભાજપ સરકારે મહિલાઓ માટે 50% અનામત રાખ્યું છે ત્યારે આ વિરાંગના રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા. મહિલા સશક્તિકરણને વડાપ્રધાને પ્રોત્સાહન આપતા મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મહિલાઓ ભાજપ તરફી મતદાન કરશે તેવો દાવો કર્યો.
રાજકોટ જિલ્લાના પડધરી ખાતે આજ રોજ વિધાનસભા 66 ટંકારા પડધરીના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાને જંગી બહુમતીથી જીતાડવા માટે ભાજપના સ્ટાર પ્રચારક એવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પડધરી મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચી સભા સંબોધન કરી હતી. આ સભા દરમિયાન ઉપસ્થિત લોકોને મનસુખ માંડવીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બદલાયો છે. કાશ્મીરમાંથી 370 ની કલમ હટી છે ત્યારે તેમને કરેલ આ તમામ કામો ઈતિહાસના સુવર્ણકાળમાં લખવામાં આવશે. આ એક ગૌરવની વાત છે માટે કમળનું બટન દબાવી ભાજપને બહુમતી થી જીત અપાવશો તેવી આપ સૌને અપીલ કરું છું.