પોષ મહિનામાં સંકટા ચોથનું વ્રત રાખવામાં આવે છે. સ્કંદ અને નારદ પુરાણ પ્રમાણે વદ પક્ષની ચોથ તિથિએ સંકટા ચોથનું વ્રત રાખવાથી અને ગણેશજીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. એટલે જ તેને સંકટા ચોથ કહેવામાં આવે છે. આ વ્રતથી સૌભાગ્ય અને સુખ પણ વધે છે. આ પર્વ આજે એટલે 10 જાન્યુઆરીના રોજ છે.
સંકટા ચોથના વ્રતમાં મહિલાઓ પોતાના બાળકોની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને જીવનમાં સુખ-સમૃદ્દિની કામના સાથે ભગવાન ગણેશજીની ખાસ પૂજા કરે છે. વિધિ-વિધાન સાથે આ વ્રત રાખનાર લોકોના બધા સંકટ દૂર થઈ જાય છે. કેમ કે પૌરાણિક માન્યતા પ્રમાણે સંકટા ચોથના દિવસે જ ભગવાન ગણેશજીના જીવનમાં સૌથી મોટું સંકટ આવ્યું હતું, જેની કથા પુરાણોમાં મળે છે.
શુભ સંયોગઃ પંચાંગ પ્રમાણે આ વખતે સંકટા ચોથના દિવસે પ્રીતિ, આયુષ્માન, આનંદ અને બુધાદિત્ય નામના શુભ યોગ બની રહ્યા છે. સાથે જ આ દિવસે મંગળવાર હોવાથી અંગારક ચોથનો સંયોગ પણ બની રહ્યો છે. તેમાં કરેલી ગણેશ પૂજાથી દરેક કામમાં સફળતા મળે છે.
ચંદ્રોદયનો સમય
પોષ મહિનાના વદ પક્ષની ચોથ તિથિએ ચંદ્રની પૂજા કરવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ તિથિએ ચંદ્રના દર્શન કરવા અને અર્ઘ્ય આપવાથી અજાણ્યો ભય અને માનસિક પરેશાનીઓ દૂર થવા લાગે છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવાથી શરીરમાં પાણીની ખોટ અથવા તેની સાથે જોડાયેલી બીમારીઓથી પણ રાહત મળે છે. સાથે જ અનેક પ્રકારના દોષથી પણ મુક્તિ મળે છે.
ચંદ્ર આજે રાતે 8.45 વાગ્યા પછી જ દેખાશે. ચંદ્રના દર્શન કરી પ્રણામ કરો. તે પછી ચંદ્રદેવને જળ ચઢાવો. પરિવારની સુખ-સમૃદ્ધિની કામના કરીને ભગવાન ગણેશનું સ્મરણ કરો. તે પછી વ્રત ખોલો.
આ ચોથ તિથિએ ભગવાન ગણેશને મોદક, લાડવાનો ભોગ ધરાવવો અને દૂર્વા અર્પણ કરો. ગણેશ સ્તૃતિ, ગણેશ ચાલીસા અને સંકટા ચોથ વ્રત કથાનો પાઠ કરવો પણ શુભ ફળદાયી હોય છે.