જજોની નિયુક્તિને લઇને બનાવાયેલા કોલેજિયમને લઇને સુપ્રીમકોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે તકરાર જારી છે. દરમિયાન કેન્દ્રીય કાયદામંત્રી કિરન રિજિજુએ મંગળવારે દેશની ગુપ્તચર એજન્સીના રિપોર્ટ્સને જાહેર કરવા અંગે કહ્યું કે તે દેશની સુરક્ષા માટે જોખમ છે. રિજિજુએ કહ્યું કે ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના સંવેદનશીલ રિપોર્ટના કેટલાક હિસ્સાને સુપ્રીમકોર્ટ કોલેજિયમે જાહેર ડોમેનમાં ઉમેર્યા છે.
ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ સાર્વજનિક કરાય છે તો ગુપ્તચર એજન્સીના અધિકારીઓ ભવિષ્યમાં બે વાર વિચારશે. આ ગંભીર ચિંતાનો વિષય છે. બીજી તરફ, રિજિજુની ટિપ્પણીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખોટી ગણાવી હતી અને કહ્યું કે કેન્દ્ર સરકાર હવે ન્યાયપાલિકા પર વર્ચસ્વ ઇચ્છે છે.
સમલૈંગિક જજને લઇને રૉના રિપોર્ટનો હિસ્સો સામે આવ્યો હતો
રિજિજુએ જે મામલે પ્રતિક્રિયા આપી છે, તે સમલૈંગિક વકીલ સૌરભ કૃપાલ સાથે જોડાયેલો છે. તેમને સુપ્રીમકોર્ટ કોલેજિયમ દિલ્હી હાઇકોર્ટમાં નિયુક્ત કરવા માંગે છે પરંતુ તેની સામે કેન્દ્રને વાંધો હતો. કેન્દ્ર સરકારે તેના માટે ગુપ્તચર એજન્સીના રિપોર્ટનો હવાલો આપ્યો હતો. પરંતુ કોલેજિયમે રાૅના વાંધાને ફગાવ્યો હતો. સુપ્રીમકોર્ટે પહેલી વાર જજો વિશે વ્યક્ત કરાયેલા કેન્દ્રના વાંધા તેમજ રૉ-સીબીઆઇના રિપોર્ટ્સને જાહેર કર્યા હતા.