રાજકોટથી નેપાળ જવા શનિવારે નીકળેલી સ્લિપર કોચ બસ ઉત્તરપ્રદેશના આગ્રા એક્સપ્રેસ હાઇવે પર પહોંચી હતી ત્યારે બંધ ઊભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતાં ચાર નેપાળી અને એક બસચાલક સહિત પાંચના સ્થળ પર જ મૃત્યુ થયા હતા, જ્યારે 20 મુસાફરને ઇજા થતાં લખનૌ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાથી નેપાળી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બસ ધડાકાભેર ટ્રકના ઠાઠામાં ઘૂસી ગઇ
નેપાળના વતની અને રાજકોટ તથા રાજકોટની આસપાસના વિસ્તારોમાં રહી નોકરી-ધંધો કરતા નેપાળી લોકોને વતનમાં જવા માટે દર મહિને માધાપર ચોકડીથી ખાનગી ટ્રાવેલ્સની એક સ્લિપર કોચ બસ ઉપડે છે, આ બસનું સંચાલન નાનામવા રોડ પરના પંચશીલ એપાર્ટમેન્ટના ચોકીદારના રૂમમાં રહેતા ચંદર સાઉદ કરે છે, ગત શનિવારે સાંજે પણ માધાપર ચોકડીથી જય ભવાની લખેલી સ્લિપર કોચ બસ નેપાળ જવા રવાના થઇ હતી અને તેમાં 40 મુસાફર હતા, સોમવારે વહેલી સવારે પોણાચાર વાગ્યાના અરસામાં આ બસ યુપીના આગરા-લખનૌ એક્સપ્રેસ હાઇવે પર પહોંચી હતી ત્યારે બંધ ઊભેલી ટ્રક ધુમ્મસને કારણે બસચાલકને દેખાઇ નહોતી અને બસ ધડાકાભેર ટ્રકના ઠાઠામાં ઘૂસી ગઇ હતી.