ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. થોડા દિવસ વરસાદ પડશે અને ત્યારબાદ અમુક દિવસો વરાપ એટલ કે વરસાદમાં બ્રેક લાગશે અને ફરી વરસાદ પડશે. આવી ચોમાસાની પેટર્ન રહી છે. વરસાદ થંભી ગયા બાદ ચાર કે પાંચ દિવસ પણ પાણી ભરાયેલું રહે તો તેમાં મચ્છરોનું બ્રીડિંગ થઈ જાય છે અને ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગ ફાટી નીકળે છે. ખાસ કરીને સરકારી કચેરીઓમાં જાળવણીના અભાવે મચ્છરોના પોરાને માફક આવે તેવું પાણી ભરાયેલું રહેશે. આ મામલે આરોગ્ય કમિશનરે માર્ગ અને મકાન વિભાગને પત્ર લખી મચ્છરજન્ય રોગ અટકાવવા માટે થતી કામગીરીના સૂચનો કર્યા હતા. જે મામલે ઘણા જિલ્લાઓમાં કામ શરૂ થયું છે પણ રાજકોટમાં કામગીરી શરૂ થવાની વાત તો દૂર રહી માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં જ મચ્છરોના બ્રીડિંગ થઈ રહ્યા છે!
નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ(શહેર)ની કચેરીનું કાર્ય વિવિધ સ્થળે સરકારી કર્મચારીઓના ક્વાર્ટર્સ, સરકારી બંગલો, બહુમાળી ભવન સહિતની સરકારી કચેરીઓ મરામત અને નિભાવ તેમજ નવી ઈમારત બનાવવાનો છે. દરેક જિલ્લા અને શહેરની કચેરીને આવરી લેવાય તે જ કારણે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખીને મોટાભાગની સરકારી મિલકતોમાં સફાઈ કરવા સૂચન કર્યું હતું. જોકે રાજકોટની માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં જ ગંદકી અને પાણી ભરાયેલા છે. કાર્યપાલક ઈજનેર સિદ્ધાર્થ જાનીની નજર સીધી કચેરી પર નહિ પડતી હોય પણ નાયબ કાર્યપાલક ઈજનેર નિખિલ ખાંટ તેમજ એસ.ઓ. વિપુલ જોગરાજિયાનું તો કામ જ આ કેમ્પસમાં સ્વચ્છતા અને મરામત કરવાનું છે આમ છતાં ત્યાં ગંદકી જોવા મળી છે. આ રીતે જોતા આરોગ્ય વિભાગના પરિપત્રનો રાજકોટની કચેરીમાં જ ભંગ થઈ રહ્યો છે.