ભાવનગર સહિત રાજ્યભરમાં ડુપ્લિકેટ અને ચાઈનીઝ દોરા મોટા પાયે ઘુસાડાયા હોવાથી જથ્થાબંધ દોરાના વેપારીઓને પણ માર પડ્યો છે. ભાવનગરમાં અનેક વિસ્તારોમાં ડુપ્લીકેટ દોરા અડધા ભાવે વેચાણ કરતા લોકોને પણ ગુણવત્તા વગરની દોરી મળે છે અને ઓરીજનલ દોરા વેચતા વેપારીઓ નવરા બેઠા છે.
લોકો સસ્તા ભાવે ડુપ્લિકેટ દોરા ખરીદતા વ્યાજે નાણા લાવી લાખો રૂપિયાનો ખરીદેલો માલ પડ્યો રહ્યો છે. કોરોના કાળના માઠા દિવસો બાદ આ વર્ષે ઉતરાયણ પર્વમાં પતંગ દોરાના વેપારીઓને ધંધામાં કમાવાની ઉજળી આશા હતી. પરંતુ તે આશા પર ડુપ્લીકેટ અને ચાઈનીઝ દોરાએ પાણી ફેરવી નાખ્યું છે.
બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ દોરા
ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ અને કડકાઈ છતાં ભાવનગર જિલ્લા સહિત રાજ્યભરના અનેક મહાનગરોમાં પણ ચાઈનીઝ તેમજ ડુપ્લિકેટ દોરા મોટા જથ્થામાં ઘુસાડવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી ડુપ્લીકેટ દોરા મોટા પ્રમાણમાં સપ્લાય થયા છે. બ્રાન્ડેડ કંપનીના નામે તેના જેવા જ માર્કાવાળા લેબલ લગાવેલા દોરા સસ્તા ભાવે વેચાણ કરવામાં આવી રહ્યા છે.