હોકી વર્લ્ડ કપમાં ભારત મેડલની દાવેદારીમાંથી બહાર થઈ ગઈ છે. રવિવારની ક્રોસઓવર મેચમાં ન્યૂઝીલેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં ભારતને 4-5થી હરાવ્યું હતું. અગાઉ બન્ને ટીમ નિર્ધારિત સમય સુધી 3-3થી બરાબરી પર હતી.
ભારત માટે અનુભવી લલિત ઉપાધ્યાયે 17મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો. ત્યારબાદ 24મી મિનિટે સુખજીતે પેનલ્ટી કોર્નરને ગોલ કરીને યજમાન ટીમની 2-0ની લીડ અપાવી હતી. થોડી વાર બાદ મેચની 28મી મિનિટે ન્યૂઝીલેન્ડના સેમ લીને ફિલ્ડ ગોલ કરીને ન્યૂઝીલેન્ડને ગેમમાં લાવી દીધું હતું.
હાફ-ટાઇમ પછી 40મી મિનિટે વરુણ કુમારે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને લીડને 3-1 કરી દીધી હતી. જે બાદ 43મી મિનિટે કેન રસેલે પેનલ્ટી પર ગોલ કરીને સ્કોર 3-2 કરી દીધો હતો. ત્યારબાદ 49મી મિનિટે કેન રસેલે પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ કરીને સ્કોર બરાબરી પર લાવી દીધો હતો.
બન્ને ટીમએ 9-9 પ્રયાસો કર્યા હતા. જેમાં ન્યૂઝીલેન્ડે 5 અને ભારતે 4 ગોલ કર્યા હતા. શૂટઆઉટની શરૂઆત ભારતીય કેપ્ટન હરમનપ્રીતે કરેલા ગોલથી થઈ હતી. જે બાદ ન્યૂઝીલેન્ડના નિક વૂડે બરાબરીનો ગોલ કર્યો હતો. ત્યારબાદ રાજકુમાર પાલે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. ત્યાર બાદ સીન ફિન્ડલેએ સ્કોર 2-2ની બરાબરી કરી હતી. અભિષેક ત્રીજા પ્રયાસમાં ગોલ ચૂકી ગયો અને હેડન ફિલિપ્સે ગોલ કરીને કિવીઝને 3-2થી આગળ કરી દીધા. ત્યારબાદ પીઆર શ્રીજેશે 3 શાનદાર સેવ કરીને ભારતને હારથી બચાવ્યા હતા. આ દરમિયાન શમશેર સ્કોર કરવાનું ચૂકી ગયો અને સુખજીતે સ્કોર કર્યો હતો. 5 પ્રયાસો બાદ સ્કોર 3-3ની બરાબરી પર રહ્યો હતો. આમ પેનલ્ટી શૂટઆઉટ ચાલુ રહ્યો.
વુડ, નિક અને હરમનપ્રીત સિંહ છઠ્ઠા પ્રયાસમાં ગોલ કરવાનું ચૂકી ગયા હતા. જ્યારે સીન ફિન્ડલે અને રાજકુમાર પાલે 7માં ગોલ કર્યા હતા. હેડન અને સુખજીત 8મા પ્રયાસમાં ગોલ કરી શક્યા ન હતા. સેમ લીને 9મા પ્રયાસમાં ગોલ કર્યો હતો. જ્યારે શમશેર ચૂકી ગયો.