રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં સ્વામી વિવેકાનંદની 160મી જન્મજયંતી નિમિત્તે યુવાનો માટે ડ્રોન ટેક્નોલોજી, આર્કિયોલોજી, એપ્લાઇડ ઈન્સ્ટ્રુમેન્ટેશન, નેચરોપથી અને યોગામાં કારકિર્દી અંગેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પુરાતત્ત્વ વિભાગના ટેક્નિકલ આસિસ્ટન્ટ સમર્થ ઈનામદાર દ્વારા પુરાતત્ત્વ ક્ષેત્રે કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ, ઇનોવેટિવ અનમેન્ડ સિસ્ટમના સંસ્થાપક ગર્વિત પંડ્યાએ અદ્યતન ડ્રોન ટેક્નોલોજીમાં રહેલ કારકિર્દીની ઉપલબ્ધ તકો વિશે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
ત્યારબાદ, કાર્યક્રમને આગળ વધારતા નેચરોપથી અને યોગના વિશેષજ્ઞ સુરેશ ભટ્ટ તેમજ એપ્લાઇડ ઈન્સ્ટ્રુમેન્ટેશન ક્ષેત્રના તજજ્ઞ વૈભવ બૌદાના અને સલોની ભાર્ગવાએ પણ પોતાના સંલગ્ન ક્ષેત્રોમાં કારકિર્દી ઘડતર વિષે ઉપસ્થિત મુલાકાતીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત આશરે 165 વિદ્યાર્થી, શિક્ષકો, યુવાનો તથા સર્વે મુલાકાતીઓને ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણીની યાદગીરીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદના વિચારોને રજૂ કરતી પુસ્તક ભેટ સ્વરૂપે આપીને કાર્યક્રમનું સમાપન કરાયું હતું.