ચીનના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ મામલે તપાસ દરમિયાન સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે.બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ સેન્ટ્રલ ચાઇનામાં સત્તાવાળાઓએ સોમવારે 29 ઓગસ્ટે 580 કરોડ ડોલર ( અંદાજે 46.3 હજાર કરોડ )ના બેન્કિંગ કૌભાંડ મામલે ઘનિષ્ટ કાર્યવાહી હાથ ધરી હતી.
અત્યાર સુધીમાં આ મહાકૌભાંડ સંબંધિત 234 લોકોને હેનાન પ્રાંતના શુચાંગ શહેરમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. ગત 10 જુલાઇએ પીપલ્સ બેન્ક ઓફ ચાઇનાની ઝેંગ્ઝૌ બ્રાન્ચ ખાતે હજારો ખાતાધારક પોતાની જમા રકમ લેવા પહોંચ્યા હતા.આ ભીડને કાબૂમાં લેવા બેન્કો બહાર તોપ તૈનાત કરી દેવામાં આવી હતી.
ખાતાધારકોને નાણાં પરત કરવાની હૈયાધારણ
પોલીસે નુકસાનની ભરપાઇ પેટે સારી રિકવરીનો દાવો કર્યો છે.અધિકારીઓનું કહેવું છે કે આ મામલે સઘન તપાસ થશે.બેન્ક સત્તાવાળાઓએ કહ્યું કે ખાતાધારકોની જમા રકમ પરત આપવામાં આવશે. જ્યારે બાકી લોકો જાણવા માંગે છે કે તેમના નાણાં કયારે પરત મળશે.
13થી 18% વ્યાજની લાલચ આપી છેતરપિંડી આચરી
આ મામલો સ્થાનિક ગ્રામીણ બેન્કોમાં જમા નાણાં પર વધુ વ્યાજદરની લાલચ આપી ઠગાઇ આચરવાનો છે.શુચાંગ સીટી ગવર્નમેન્ટે જણાવ્યું કે લૂ યિવેઇ નામના માસ્ટર માઇન્ડે પોતાના સાગરિતો સાથે મળી પ્રથમ હેનાનની ચાર બેન્કો પર ગેરકાયદેસર કબજો કર્યો હતો. તેઓએ રોકાણકારોને વાર્ષિક 13થી 18 ટકાના દરે વ્યાજની લાલચ આપી છેતરપિંડી કરી હતી. જેમાં અનહુઇ પ્રાંત સ્થિત યુઝોઉ શિનમિનશેંગ ગ્રામીણ બેન્કનો પણ સમાવેશ થાય છે. આ બેન્કોમાં હજારો લોકોના એકાઉન્ટ છે. 18 એપ્રિલથી હેનાનની આ ચારેય બેન્કોએ પોતાની ઓનલાઇન બેન્કિંગ સેવા રદ કરી દીધી હતી.