21મી સદીના બદલતા ભારતમાં એકલી મહિલાઓ માટે ભાડે ઘર લેવું સરળ નથી. નાના શહેરોને બાકાત કરીએ તો દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ જેવાં મેટ્રો શહેરોમાં એકલી મહિલાઓએ ભાડે ઘર લેવા માટે વધુ મહેનત કરવી પડે છે. સુરક્ષાના નામે ઘરનું ભાડું પણ વધુ ચૂકવવું પડે છે. તેમના પર મકાનમાલિકના નિયમો-કાયદાઓ પણ વધી જાય છે.
અનેક નિયમો અને શરતો લાગુ કરાય છે જેમ કે રાત્રે 9 અથવા 10 વાગ્યા બાદ ઘરની બહાર ન જઇ શકાય. કોઇ પુરુષ ઘરે ન આવી શકે. દારૂના સેવનની મનાઇ. વધુ મિત્રો ઘરે નહીં આવી શકે અથવા પાર્ટી નહીં કરી શકાય. બેંગ્લુરુમાં રહેતી રચિતા રામચંદ્રન આઇટી કંપનીમાં કામ કરે છે. તેઓ કહે છે કે - આ જીવન સારું છે, પરંતુ દરેક પગલે લડવું પડે છે. નાની-નાની વસ્તુઓ માટે મુશ્કેલી થાય છે. અજાણ્યા લોકો પાસેથી સલાહ સાંભળવી પડે છે. મિત્રો ઘરે ન પહોંચી જાય ત્યાં સુધી એકબીજાના ફોનને ટ્રેક કરે છે.
સોશિયલ એન્ડ ડેવલપમેન્ટલ રિસર્ચ એન્ડ એક્શન ગ્રૂપના સંસ્થાપક માલા ભંડારી કહે છે કે ભારતીય મહિલાઓમાં આકાંક્ષાઓની કમી નથી, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક બંધનોએ તેમની આઝાદી બાંધી રાખી છે. દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા એવા ભારતના 2020ના સરકારી રિપોર્ટ અનુસાર, ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની ભાગીદારી વધવાનો દર પુરુષ કરતાં વધુ છે. જો કે વર્લ્ડ બેન્કના આંકડાઓ અનુસાર ચીનમાં 62%, અમેરિકામાં 55% તેમજમાં ભારતમાં 20% મહિલાઓ વર્કફોર્સનો હિસ્સો છે.
ભારતમાં હવે મહિલા દીઠ બે બાળકોનો જન્મ સરેરાશ છે. દરમિયાન યુવતીઓના શિક્ષણ પર પરિવાર ખર્ચ કરે છે. તેમાં ગર્વ અને ડર બંને છૂપાયેલા છે. દિલ્હીના પ્રોપર્ટી બ્રોકર દિનેશ અરોડા કહે છે કે - કેટલાક મકાન માલિક જ એકલી મહિલાઓને ઘર આપે છે. મોટા ભાગના લોકોને ડર રહે છે કે કંઇક થશે તો નામ તેમનું આવશે. મકાન આપે છે તે માલિક પણ વધુ ભાડુ વસૂલે છે. ભાડુઆત પર નજર રાખે છે.