કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2023-24 માટે ગ્રામીણ વિસ્તારોમાં ચલાવાતી કલ્યાણકારી યોજનાઓ પાછળનો ખર્ચ 50% વધારીને રૂ. બે લાખ કરોડ સુધી કરી શકેછે. એપ્રિલ-મે 2024માં સંભવિત લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રનું રોજગારી વધારવા પર પણ ફોકસ છે. એટલું જ નહીં, સસ્તા ઘરની યોજનાપર પણ સરકાર ધ્યાન આપી રહી છે.
નાણા મંત્રી નિર્મલા સીતારામન આગામી વર્ષે પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, મહામારીને ધ્યાનમાં રાખીને ગ્રામીણ અર્થતંત્રમાં આવેલી સુસ્તી દૂર કરવા પર ધ્યાન અપાશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયને રૂ. 1.36 લાખ કરોડની વહેંચણી કરી હતી. જોકે, આ ખર્ચ વધારીને રૂ. 1.60 લાખ કરોડથી વધુ હોઇ શકે છે.
કોરોના પછી ગામડાંમાં મનરેગા થકી રોજગારી મેળવનારા લોકોની સંખ્યા વધી છે. આમ છતાં, બેરોજગારી દર ઉચ્ચ સ્તરે છે. સીએમઆઈઈ પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રામીણ બેરોજગારી દર 7%થી વધુ છે. નવેમ્બરમાં તે 8.04% હતો. મનરેગા માટે સરકારે આ વર્ષે રૂ. 73 હજાર કરોડનું બજેટ ફાળવ્યું હતું. તે બાદમાં વધારીને રૂ. 98 હજાર કરોડ કરવું પડ્યું છે.