દુનિયાભરમાં છટણીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ દેશમાં ભરતીની સિઝન છે. સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસીએ સપ્ટેમ્બરથી િડસેમ્બર 2022 વચ્ચે 5,863 અને બંધન બેન્કે 2,036 ભરતી કરી છે, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કે માર્ચથી ડિસેમ્બર 22 વચ્ચે 11,200 લોકોને નોકરી આપી છે. જોકે, અમેરિકામાં મોર્ગન સ્ટેન્લી બેન્કે ડિસેમ્બર 22માં 1,600 લોકોની છટણી કરી છે.
ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ દિગ્ગજ કંપની ગોલ્ડમેન સાશે જાન્યુઆરી 23માં 3,200 કર્મચારીની હકાલપટ્ટી કરી છે, જે 2008ની મંદી પછી સૌથી મોટો આંકડો છે. આરબીઆઇના તાજા અહેવાલ અને એસબીઆઇ સાથે સંકળાયેલા બેન્કિંગ એક્સપર્ટ નરેશ મલહોત્રાના મતે, છેલ્લા બે વર્ષ ભારતીય બેન્કો માટે ભલે મુશ્કેલ રહ્યા, પરંતુ હવે રેકોર્ડ ગ્રોથ દેખાશે.
બીજી તરફ, અમેરિકામાં નવેમ્બર 2022થી અત્યાર સુધી આશરે બે લાખ આઇટી કર્મી નોકરી ગુમાવી ચૂક્યા છે. તેમાં 30-40% સુધી ભારતીય છે. તેમાં પણ મોટા ભાગના લોકો એચ-1બી અને એલ-1 વિઝા ધરાવનારા છે. હકીકતમાં એચ-1બી વિઝા ધરાવતા લોકો માટે સ્થિતિ મુશ્કેલ હોવાનું કારણ એ પણ છે કે, જો તેમને 60 દિવસમાં બીજી નોકરી ના મળે, તો ભારત પાછા આવવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ નથી બચતો.