કેરળના કોચી શહેરમાં થુરુથ આઇલેન્ડ આવેલું છે. અહીં દેશનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ સીડ ફાર્મ છે, એટલે કે એક એવું ફાર્મ જેમાંથી કાર્બન ઉત્સર્જન થતું નથી. તેને ઈલુવા સ્ટેટ સીડ ફાર્મ નામ અપાયું છે. આ એક આદર્શ ફાર્મ છે, કારણ કે આ ફાર્મમાં રસાયણોનો બિલકુલ ઉપયોગ થતો નથી. 13.5 એકરમાં ફેલાયેલા આ ફાર્મમાં માત્ર હોડી, બોટ અથવા રેલવે ટ્રેક પર ચાલીને જ પહોંચી શકાય છે. આ ફાર્મમાં કોઈ વાહન પ્રવેશી શકશે નહીં. આ સ્થળ પેરિયાર નદીથી ઘેરાયેલું છે. જમીનથી ઉપરના કાર્બન ઉત્સર્જનને રોકવા માટે 150થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે.
સ્ટેટ સીડ ફાર્મના વડા લિસિમોલ જે વડુક્કૂટનું કહેવું છે, અમારા ફાર્મમાં 43 ટન કાર્બન ઉત્સર્જન થાય છે, ત્યારે 213 ટન કાર્બનનો સંગ્રહ કરે છે. આ રીતે અહીં 170 ટન કાર્બન ક્રેડિટ છે. તેનો અર્થ એ કે તે માત્ર કાર્બન ન્યુટ્રલ નથી પણ કાર્બન નેગેટિવ પણ છે. અમે આ ફાર્મમાં ખેતીની ઘણી નવી તકનીકો અપનાવી છે. જેમ કે અહીં વૃક્ષાયુર્વેદ તકનીકનો ઉપયોગ કરીએ છીએ.