ભારત ચંદ્રયાન-2ના લોન્ચિંગના 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી આજે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2.35 કલાકે LVM3-M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ મિશન દ્વારા ભારત દુનિયાને પોતાની સ્પેસ પાવર બતાવવા માંગે છે. જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે.
ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લગભગ 40 દિવસ પછી એટલે કે 23 કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા, ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે.
ચંદ્રયાન-3 આદિપુરુષ ફિલ્મના બજેટ કરતા સસ્તું
ચંદ્રયાન-3નું બજેટ લગભગ 615 કરોડ રૂપિયા છે જ્યારે તાજેતરની ફિલ્મ આદિપુરુષની કોસ્ટ 700 કરોડ રૂપિયા હતી. એટલે કે ચંદ્રયાન-3 આ ફિલ્મની કિંમત કરતાં લગભગ 85 કરોડ રૂપિયા સસ્તું છે. આના 4 વર્ષ પહેલા મોકલવામાં આવેલ ચંદ્રયાન 2 ની કિંમત પણ 603 કરોડ રૂપિયા હતી. જો કે, તેના લોન્ચિંગ પર પણ 375 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
લોન્ચિંગ ઓનલાઈન અને ટીવી પર લાઈવ જોઈ શકશે
ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ ઈસરોની સત્તાવાર વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લાઈવ બતાવવામાં આવશે. તમે દૂરદર્શન પર ચંદ્રયાન-3નું લાઈવ પ્રક્ષેપણ પણ જોઈ શકો છો. જે લોકો સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ વ્યુ ગેલેરીમાંથી પ્રક્ષેપણને લાઈવ જોવા માગે છે તેમના માટે સ્પેસ એજન્સીએ ivg.shar.gov.in/ પર રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. હવે રજીસ્ટ્રેશન બંધ છે.