ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 15 દિવસમાં ત્રણ હિન્દુ મંદિરો પર ભારત વિરોધી અને ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા બાદ અહીં વસતા હિન્દુઓ ચિંતિત બન્યા છે. જો કે સમુદાયે સંવેદનશીલ અને પરિપક્વ પ્રતિક્રિયા આપી છે. હિન્દુ સંગઠનોએ આગળ આવીને શીખ સમુદાય સાથે એકતાનો સંદેશ આપ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા સામાન્ય ભારતીયોએ પણ શાંતિનું આહવાન કર્યું છે.
હિન્દુ ફેડરેશન ઑફ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ ડૉ.નવીન શુક્લાએ દૈનિક ભાસ્કરને કહ્યું હતું કે, આ ઘટનાથી હિન્દુ સમુદાયે ઉશ્કેરાવાની જરૂર નથી. આ તોફાની તત્વોનું કામ હોઈ શકે છે. અહીં તમામ હિન્દુ અને શીખ પરિવારની જેમ રહે છે. બહુસાંસ્કૃતિક દેશ છે. આપણે સંવેદનશીલ થઈને વિચારવું જોઈએ. આ લોકો શીખ સમુદાયના જ લોકો હોય એ જરૂરી નથી. અમારા ઘણા મિત્રો શીખ સમુદાયના છે. એમાંથી કોઈની માનસિકતા આવી નથી.
ડૉ.નવીન શુક્લા ઓસ્ટ્રેલિયા એસોસિએશન ઑફ આયુર્વેદના પણ અધ્યક્ષ છે. તેઓ કહે છે કે, મેલબોર્નમાં ઘટેલી ઘટનાઓ જણાવે છે કે હિન્દુ સમુદાયે સતર્ક રહેવું પડશે. મેલબોર્નમાં જે કંઇપણ બની રહ્યું છે તેના કારણે અમેરિકા અને કેનેડા જેવી સ્થિતિ અહીં પણ થઈ શકે છે. તેથી સરકારે પણ સુરક્ષા પર વધારે ધ્યાન આપવું પડશે. સમુદાયમાં સક્રિય ભારતીય મૂળના બલજિંદર સિંહ કહે છે કે, આવી ઘટનાઓથી ભારતથી અહીં આવીને વસનારા કે ભણનારા લોકો પર અસર થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરનારાઓ લોકો માટે તથા ભવિષ્યમાં ભારત આવતા લોકો માટે સમસ્યા પેદા કરે છે.