Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેપ્ટન હરમનપ્રીત સિંહ અને સ્ટાર ફાસ્ટ બોલર રેણુકા સિંહ વિના પણ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની વન-ડે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આજે ભારતીય વુમન્સ અને આયર્લેન્ડ વુમન્સ વચ્ચે 3 મેચની સિરીઝની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. આયર્લેન્ડે આપેલા 239 રનના ટાર્ગેટને ભારતીય વુમન્સ ટીમે 4 વિકેટ ગુમાવીને સરળતાથી ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે.

અગાઉ આયર્લેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. કેપ્ટન ગેબી લેવિસના 92 રન અને લીહ પોલના 59 રનની મદદથી ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 238 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની વુમન્સ ટીમ તરફથી ઓપનર પ્રતિકા રાવલે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 89 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે તજલ હસબનીસે 53 રનની અણનમ ઇનિંગ રમીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમે માત્ર 34.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 239 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પ્રતિકા રાવલને તેની ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

આયર્લેન્ડની વુમન્સ ટીમે પહેલી બેટિંગ કરતા પોતાની પહેલી ચાર વિકેટ માત્ર 56 રનમાં ગુમાવી દીધી હતી. યુવા ઝડપી બોલર તિતાસ સાધુ અને સ્પિનર પ્રિયાએ આમાં મોટી ભૂમિકા ભજવી હતી. પ્રિયા તો હેટ્રિક પણ ચૂકી ગઈ. આવી સ્થિતિમાં, આયરિશ કેપ્ટન ગેબી લેવિસ પર એક મોટી જવાબદારી આવી પડી અને તેણે પોતાની ટીમને નિરાશ ન કરી. લેવિસ અને લીહ પોલે 117 રનની પાર્ટનરશિપ કરી. આ દરમિયાન બન્નેએ ફિફ્ટી પણ પૂરી કરી. આ પછી કેપ્ટન લેવિસ સદી ચૂકી અને 92 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ હતી. આ બન્ને બેટર્સની ઇનિંગની મદદથી આયરિશ ટીમે 238 રન બનાવ્યા.