સાતમ-આઠમના તહેવારો બાદ શહેરમાં સક્રિય થયેલી તસ્કર ટોળકીએ એક પછી એક અનેક બંધ મકાન, દુકાન, ઓફિસોને નિશાન બનાવી લાખોની માલમતાનો હાથફેરો કરી ગયા છે. જે બનાવમાં પોલીસ હજુ સુધી તસ્કર ટોળકીનું પગેરું મેળવી શકી નથી. ત્યાં વધુ એક ચોરીના બનાવને અંજામ આપી તસ્કર ટોળકી અઢી લાખની મતા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. વાણિયાવાડી મેઇન રોડ, વિશાખાવંદના એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશભાઇ કીર્તિભાઇ ધકાણ નામના સોની વેપારીએ ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામે પ્રકાશ જ્વેલર્સના નામથી વેપાર કરતા વેપારીની ફરિયાદ મુજબ, રાજકોટમાં તે પત્ની સાથે રહે છે. ગત તા.14ના રોજ પત્નીને લઇ જામકંડોરણા રહેતા સસરાને ત્યાં ગયા હતા. બાદમાં તા.24ના પોતે પરત રાજકોટ આવ્યા હતા અને તા.25ના રોજ ગારિયાધાર જતો રહ્યો હતો. ત્રણ દિવસ બાદ તા.29ની રાતે પોતે પરત રાજકોટ આવતા બંધ ફ્લેટના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા.