પાકિસ્તાનના પેશાવરમાં સોમવારે એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક 100ને પાર પહોંચી ગયો છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. પેશાવર પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, 221 ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 100થી વધુ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દરમિયાન, રાજધાની ઈસ્લામાબાદમાં સંસદના ઉપલા ગૃહમાં આતંકવાદી હુમલાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો.હુમલાને રોકવામાં નિષ્ફળતા સામે સાંસદોએ રોષ વ્યક્ત કર્યો હતો. કહ્યું કે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી જોઈએ. જમાત-એ-ઈસ્લામીના સાંસદ મુશ્તાક અહેમદે કહ્યું કે આ સત્ર બંધ રૂમમાં યોજવું જોઈએ. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સંબંધિત અધિકારીઓને જવાબદાર ઠેરવી શકાય. તેમણે કહ્યું કે આપણો દેશ ગરીબ હોવા છતાં સશસ્ત્ર દળો, ન્યાયતંત્ર અને પોલીસને અબજો ડોલર આપી રહ્યો છે, તેથી સુરક્ષા સંસ્થાઓને એ પૂછવાનો અધિકાર છે કે આવી ઘટનાઓ કેમ બની રહી છે અને ગુપ્તચર એજન્સીઓ હુમલાને રોકવામાં કેમ નિષ્ફળ રહી છે.
ડુરંડ લાઇન પર ઇસ્લામિક અમીરાત સ્થાપવા ઇચ્છે છે ટીટીપી
ટીટીપીએ ગયા વર્ષે તેના કમાન્ડરની હત્યા બાદ પાકિસ્તાન સામે ફરી હુમલા શરૂ કરવાની જાહેરાત કરી હતી ત્યારે ટીટીપીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓ કથિત ડુરંડ લાઇનની બંને બાજુ ઇસ્લામિક અમીરાત સ્થાપશે. આ વિસ્તારમાં પાકિસ્તાનના પેશાવર, ખૈબર પખ્તુનખ્વા, મલાકંદ, મર્દાન, ડેરા ઈસ્માઈલ ખાન, બન્નુ, કોહાટ અને ઝોબનો સમાવેશ થાય છે, જેમાં ટીટીપી સક્રિય છે. તેણે આ પ્રદેશને 2 પ્રાંતોમાં વિભાજિત કર્યો. અફઘાનિસ્તાનના વિસ્તારમાં તેનું નિયંત્રણ છે.