હોસ્પિટલના મેટરનિટી વૉર્ડમાં જગ્યા ન મળતા ભારતીય મહિલા પર્યટકનું મોત નીપજતાં પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર માર્તા ટેમિડોએ રાજીનામું આપી દીધું છે. રાજધાની લિસ્બનમાં મહિલા પર્યટકને ભરતી કરવા માટે એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલે રિફર કરાઈ હતી. આ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટથી તેનું મોત નીપજ્યું. જોકે આ એવો પ્રથમ કેસ નથી.
ગત થોડાક સમયમાં આવા અનેક કેસ પોર્ટુગલમાં જોવા મળ્યા હતા જ્યાં હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ અને સુવિધાની અછતને કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. મંગળવારે પોર્ટુગલ સરકાર વતી જારી સત્તાવાર નિવેદનમાં જણાવાયું કે ડૉક્ટર માર્તાને અહેસાસ થઈ ગયો હતો કે તેમની પાસે હવે પદે જળવાઇ રહેવા માટે કોઈ કારણ નથી.
પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું કે ગર્ભવતી મહિલાનું મૃત્યુ આખરે એવી ઘટના હતી જે તેમને રાજીનામાના નિર્ણય સુધી દોરી ગઈ. પોર્ટુગલ સરકારમાં મંત્રી ડૉક્ટર માર્તા ટેમિડો 2018થી સ્વાસ્થ્ય વિભાગ સંભાળી રહ્યાં હતાં. કોરોનાકાળમાં તેમણે જે રીતે કોવિડને મેનેજ કર્યું તેના માટે તેમની ભરપૂર પ્રશંસા થઇ હતી.