શહેરના 80 ફૂટ રોડ આંબેડકરનગરમાં બુધવારે રાતે નવા થોરાળા મેઇન રોડ, સ્વામિનારાયણ સ્કૂલની સામે -1માં રહેતા અને મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીમાં નોકરી કરતા સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઇ મકવાણા નામના યુવાનની સરાજાહેર હત્યા થઇ હતી. બે મહિના પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી તેમજ શેરીમાંથી નીકળવાની ના પાડી તો પણ કેમ નીકળે છે તેમ કહી કાર અને બાઇકમાં ધસી આવેલા 8 શખ્સે છરીના ઘા ઝીંકી તેમજ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.
હત્યાના બનાવને પગલે થોરાળા પોલીસ મથકના પીઆઇ ડો.એલ.કે.જેઠવા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક સિદ્ધાર્થના બનેવી સુનિલભાઇ નાથાભાઇ ચાવડાની ફરિયાદ પરથી નામ જોગ આઠ શખ્સ સામે આઇપીસી 302, 323, 504, 120(બી), 143, 147, 148, 149ની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ આરોપીઓને સકંજામાં લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આરોપીઓના રહેણાક અને તેમના આશ્રય સ્થાનો પર રાતભર તપાસ કર્યા બાદ આઠ આરોપીઓ પૈકી એક તરુણ સહિત સાત આરોપીને દબોચી લીધા હતા. જેમાં આંબેડકરનગર-11નો મોહિત ઉર્ફે બન્ની સુરેશ પરમાર, આંબેડકરનગર-13ના ધર્મેશ ઉર્ફે ધમો કાના ગોહેલ, નવી ઘાંચીવાડના આનંદ ઉર્ફે કાળુ રવજી મૂછડિયા, નવા થોરાળાના ગોપાલ ઘેલા ગોહેલ, રામનાથપરા ભવાનીનગરના જગદીશ ઉર્ફે ભમો પુંજા ગોહેલ, આંબેડકરનગર-13ના મયૂર ઉર્ફે એમ.ડી. વિનોદ દાફડા તેમજ એક બાળ આરોપીનો સમાવેશ થાય છે. પૂર્વયોજિત મંડળી રચી યુવાનની સરાજાહેર ઘાતક હથિયારો સાથે હુમલો કરી નિર્મમ હત્યા કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. અને વિશેષ પૂછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.