પંજાબ સરકારે પેટ્રોલ વેટના દરમાં લગભગ 1.08%નો વધારો કર્યો છે. જેના કારણે પેટ્રોલ 92 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. જ્યારે વેટ દરમાં 1.13% વધારાને કારણે ડીઝલ 90 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. આ પછી, પેટ્રોલ પર પ્રતિ લિટર કુલ વેટ 14.75%થી વધીને 15.74% અને ડીઝલ પર 14.75% થી વધીને લગભગ 15.88% થઈ ગયો છે. નવી કિંમતો 10 જૂનની મધરાત 12 થી અમલમાં આવી છે.
મોહાલીમાં પેટ્રોલ 98.95 રૂ
આ કારણે મોહાલીમાં જ્યાં પહેલા પ્રતિ લિટર પેટ્રોલ 98.03 રૂપિયામાં મળતું હતું, તે હવે વધીને 98.95 રૂપિયા થઈ ગયું છે. જ્યારે પ્રતિ લિટર ડીઝલ 88.35 રૂપિયાના ભાવે ઉપલબ્ધ છે તે વધીને 89.25 રૂપિયા થઈ ગયું છે. અમૃતસરમાં પેટ્રોલની કિંમત 98.69 રૂપિયા અને ડીઝલની કિંમત 89.01 રૂપિયા છે.
અન્ય રાજ્યોના ભાવમાં કોઈ ફેરફાર નથી
બાકીના રાજ્યો પર નજર કરીએ તો રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. દેશના 16 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની ઉપર છે.
જો ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શનિવારે કહ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર રહેશે તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા અંગે વિચારણા કરવાની સ્થિતિમાં હશે.