પાસપોર્ટ સહિતના નકલી ડોકયુમેન્ટસના આધારે ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર બોબી પટેલના 9 સાગરીત 2 વર્ષ પછી પણ પકડાયા નથી. જેમાંથી 3 આરોપી ચરણજીસિંહ, પંકજ ખત્રી અને મેકન પટેલ અમેરિકા ભાગી ગયા હોવાથી પોલીસે તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. જ્યારે અન્ય 6 આરોપી ભારતમાં જ હોવાથી તેમના વિશે માહિતી આપનાર વ્યકિતને રૂ.25 - 25 હજારનું ઈનામ આપવાની જાહેરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી.
આ વિશે વાત કરતા સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યું હતુ કે, બોબી પટેલ અને તેના સાગરીતોએ ગેરકાયદેસર રીતે 100 કરતાં પણ વધારે લોકોને અમેરિકા મોકલ્યા હતા. તેઓ એક વ્યકિત પાસેથી રૂ.60 લાખથી રૂ.1 કરોડ લેતા હતા. અત્યાર સુધીમાં બોબી પટેલ સહિત 7 આરોપી ઝડપાયા છે .