અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યાના બે દિવસ બાદ તેનો કાટમાળ સમુદ્રમાંથી મળી આવ્યો છે. જોકે બલૂનમાંથી કોઇ પણ પ્રકારનું જાસૂસી ઉપકરણ હજુ સુધી મળી આવ્યું નથી, તેની શોધખોળ ચાલુ છે.
યુએસ ઉત્તરી કમાન્ડ અને નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (નોર્ડ)ના કમાન્ડર જનરલ ગ્લેન વૈનહર્કના જણાવ્યા મુજબ તેઓ બલૂન સાથે રહેલા ખતરનાક સામાનને શોધ કરી રહ્યા છે, જેમાં બેટરીમાં વપરાતા વિસ્ફોટકનો પણ સમાવેશ છે.
બાઇડેને કહ્યું જો ચીનથી જોખમ ઊભું થયું તો ખેર નહીં..:
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને બુધવારે બીજી વખત સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કરતાં ચીનના જાસૂસી બલૂનને લઇ આકરી ચેતવણી આપતા કહ્યું હતું કે જો ચીનથી કોઈ ખતરો ઊભો થશે તો અમેરિકા તેની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં ચીન પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું હતું. બાઇડેને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવે આવું નહીં થાય. અમે સ્પર્ધા ઈચ્છીએ છીએ, સંઘર્ષ નહીં.