ભારતીય મસાલા બ્રાન્ડ MDHએ પોતાની પ્રોડક્ટમાં 'જંતુનાશકો' હોવાના આરોપોને ફગાવી દીધા છે. કંપનીએ શનિવારે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે આ દાવા ખોટા અને પાયાવિહોણા છે અને તેના માટે કોઈ નક્કર પુરાવા નથી.
MDHએ કહ્યું, 'અમારા ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઇડ હોવાના આરોપ સાચા નથી. આ સિવાય કંપનીને સિંગાપોર કે હોંગકોંગના રેગ્યુલેટરી ઓથોરિટી તરફથી કોઈ સંદેશ મળ્યો નથી. આ બતાવે છે કે MDH સામેના આરોપો પાયાવિહોણા અને વણચકાસાયેલ છે.
કંપનીએ કહ્યું, 'અમે અમારા ગ્રાહકોને ખાતરી આપીએ છીએ કે મસાલાના સ્ટોરેજ, પ્રોસેસિંગ અથવા પેકેજિંગના કોઈપણ તબક્કે ઇથિલિન ઓક્સાઇડ (ETO)નો ઉપયોગ થતો નથી. અમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે હેલ્થ અને સુરક્ષાના ધોરણોનું પાલન કરીએ છીએ.
ભારત અને અમેરિકામાં પણ મસાલાની તપાસ થઈ રહી છે
હાલમાં, સિંગાપોર અને હોંગકોંગે એવરેસ્ટ અને MDH મસાલામાં કથિત રીતે લિમિટ કરતા વધુ 'ઇથિલિન ઓક્સાઇડ'નું પ્રમાણ હોવાના કારણે કેટલીક કંપનીઓના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પછી, ભારત સરકારે પણ તેની પ્રોડક્ટોની તપાસ શરૂ કરી છે.
અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) પણ કંપનીના મસાલાઓની તપાસ કરી રહ્યું છે. FDAના પ્રવક્તાએ રોઇટર્સને જણાવ્યું, "FDA આ રિપોર્ટની જાણકારી છે અને પરિસ્થિતિ વિશે વધારાની માહિતી મેળવી રહ્યા છે," આ પ્રોડક્ટ્સમાં આ જંતુનાશકોની વધુ માત્રાને કારણે કેન્સર થવાનું જોખમ રહેલું છે.