સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટના ખંઢેરી ખાતે અદ્યતન ઇકો ફ્રેન્ડલી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં વિવિધ વયજૂથની અનેક ટૂર્નામેન્ટ રમાતી હોવાને કારણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સમયાંતરે ખેલાડીઓ તેમજ મેદાનની સુવિધાઓમાં વધારો કરી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જામનગર રોડ પર સણોસરા ગામ નજીક સાત વર્ષ પૂર્વે એક સાથે બે મેદાન તૈયાર કરવામાં આવ્યા હતા. અહીં સ્થાનિક ટૂર્નામેન્ટના મેચ રમાડવામાં આવતા હતા.
જોકે, સણોસરામાં માત્ર મેદાન જ હોય ખેલાડીઓને કોઇ અગવડતા ન પડે તે માટે બંને મેદાન વચ્ચે એક અદ્યતન પેવેલિયન બનાવવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજનમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ અને સૌરાષ્ટ્ર રણજી ટીમના પૂર્વ કપ્તાન જયદેવ શાહએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અહીં ખેલાડીઓને કોઇ અગવડતા ન પડે તેમજ આગામી દિવસોમાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રમાડી શકાય તે માટે અંદાજિત આઠથી દસ કરોડના ખર્ચે ડ્રેસિંગ રૂમ સહિતનું અદ્યતન પેવેલિયન તૈયાર થશે.
જે આગામી માર્ચ-એપ્રિલમાં સંભવત: તૈયાર થઇ જશે. સૌરાષ્ટ્રના ક્રિકેટને તેમજ ક્રિકેટરોને તમામ સુવિધાઓ, યોગ્ય પ્રશિક્ષણ મળી રહે તે માટે આગામી દિવસોમાં પોરબંદર, જામનગરમાં પણ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. એટલું જ નહિ સૌરાષ્ટ્રના ક્રિકેટરો વિશ્વભરમાં ડંકો વગાડે તે માટે પૂર્વ રણજી ખેલાડીઓ દ્વારા તાલીમ પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહિ સ્થાનિક કક્ષાએ ક્રિકેટ એકેડમી ચાલુ કરવાની પણ વિચારણા છે. અમારું લક્ષ્ય માત્ર ખેલાડીઓ તૈયાર કરવાનું અને તેમને સુવિધાઓની સાથે વધુમાં વધુ મેચ રમી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું છે.