સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એ., બી.કોમ., એમ.એ., એમ.કોમ. એક્સટર્નલ કોર્સમાં એડમિશન લેવા 8થી 28 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવી રહ્યાં હતાં જેમાં 28મીએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો પરંતુ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ ફોર્મ ભરાયા હોવાનું યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું.
જોકે છેલ્લા બે-ત્રણ દિવસથી વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવા, ઓટીપી-પાસવર્ડ મેળવવા, ફોર્મની પ્રિન્ટ કાઢવા સહિતના જુદા જુદા મુદ્દે સમસ્યાઓ આવી રહી હતી પરંતુ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવી દેતા હવે એક્સટર્નલના ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી નથી. અગાઉ જો વિદ્યાર્થીઓને પ્રશ્નોનું સમાધાન ન થાય તો તારીખ લંબાવવાની પરીક્ષા નિયામકે ખાતરી આપી હતી.
એક્સટર્નલ કોર્સના ફોર્મ તારીખ 8 ઓગસ્ટથી ઓનલાઈન ભરાવવાના શરૂ થયા ત્યારે શરૂઆતના દિવસોમાં માત્ર બે જ દિવસમાં 2800થી વધુ ફોર્મ ભરાઈ જતા એક્સટર્નલ કોર્સમાં વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ કોર્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દર વર્ષે ફોર્મ ભરતા હોય છે, આ વર્ષે પણ ધોરણ 12 પછી એક્સટર્નલ કોર્સ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ બી.એ., બી.કોમ., એમ.એ., એમ.કોમ.ના ફોર્મ તારીખ 28 ઓગસ્ટ સુધી ઓનલાઈન ભરી શકે તેવી વ્યવસ્થા કરી હતી.