દેશમાં જૂન મહિનામાં પૂરા થતા ચાલુ પાક વર્ષ દરમિયાન અનાજનું કુલ ઉત્પાદન 323.55 મિલિયન ટનના અત્યાર સુધીના સર્વાધિક સ્તરે જોવા મળે તેવી સંભાવના છે. ચાલુ પાક વર્ષ દરમિયાન ચોખા, ઘઉં તેમજ કઠોળના રેકોર્ડ ઉત્પાદનને પગલે કુલ ઉત્પાદન 320 મિલિયન ટનને આંબવાનો અંદાજ છે.
દેશમાં ઘઉંનું ઉત્પાદન પાક વર્ષ 2022-23 (જુલાઇ-જૂન) દરમિયાન 112.18 મિલિયન ટનના રેકોર્ડ સ્તરે પહોંચે તેવો અંદાજ કૃષિ મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગત વર્ષ દરમિયાન કેટલાક રાજ્યોમાં હીટવેવને પગલે ઘઉંનું ઉત્પાદન આંશિક ઘટીને 107.74 મિલિયન ટન નોંધાયું હતું. અગાઉ પાક વર્ષ 2020-21 દરમિયાન ઘઉંનું ઉત્પાદન 109.59 મિલિયન ટનના રેકોર્ડ સ્તરે રહ્યું હતું. પાક વર્ષ 2022-23 (જુલાઇ-જૂન)ની રવિ સીઝન દરમિયાન અત્યાર સુધી ઘઉંના પાકનો વાવેતર વિસ્તાર પણ 1.39 લાખ હેકટર્સથી વધીને 343.23 લાખ હેકટર્સ થયો છે. આ વર્ષે મોટા પાયે અનાજના ઉત્પાદનને કારણે નિકાસ પણ વધશે.