ઈવીએમ અને વીવીપેટની કાપલીઓને સોએ સો ટકા મેળવવા માટે હાથેથી ગણતરી કરવાની માગણીને સર્વોચ્ચ અદાલતે અવ્યવહારુ ગણાવતાં કહ્યું હતું કે માનવીય હસ્તક્ષેપથી ભૂલ થવાની શક્યતા છે. મંગળવારે આ મુદ્દે યોજાયેલી સુનાવણીમાં અરજદારે ઈવીએમ અને વીવીપેટમાં લાગેલી ચિપને પ્રોગ્રામ કરી શકાય છે અને એ રીતે મશીનો સાથે ચેડાં કરીને પરિણામો બદલાવાની આશંકા વ્યક્ત કરી હતી. અરજદારે બેલેટ પ્રથા ફરીથી લાગુ કરવા, મતદારને વીવીપેટની કાપલી રીતે લેવા, તેને મતપેટીમાં જમા કરવા અને કાપલીઓની ગણતરી કરવા અથવા મશીનનો કાચ પારદર્શી રાખવા તથા તમામ વીવીપેટ કાપલીઓની ગણતરી કરવા પરવાનગી માગી હતી. પીઠે કહ્યું હતું કે હાથેથી ગણતરી કરવાથી પરિણામ જુદાં જુદાં આવશે.
ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દદ્દાની પીઠે બિનસરકારી સંગઠન એડીઆરના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ઈવીએમ અને વીવીપેટમાં જુદી જુદી ચિપ હોય છે. એક મેમરી, જેને પ્રોગ્રામ કરી શકાય છે અને બીજી ફ્લેશ મેમરી હોય છે. દરેક મશીનમાં એક પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાનો હોય છે, જે દર્શાવે છે કે 3 નંબરનું બટન દબાવવાથી કયા ચૂંટણીચિહ્્નની કાપલી વીવીપેટ પ્રિન્ટ કરશે. મારું એ જ કહેવું છે કે આ મશીનોમાં લાગતી ચિપને પ્રોગ્રામ કરી શકાય છે. બીજી તરફ ચૂંટણીપંચે આ તર્કોને પાયાવિહોણા ગણાવ્યા હતા.