સમગ્ર વિશ્વમાં ઇન્ડસ્ટ્રીઝ મોટા પાયે પ્રદૂષણ ફેલાવે છે. તેમાં કાર્બનનો સૌથી વધુ હિસ્સો છે. વિશ્વભરના દેશ 2050 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડાવાના મહત્વકાંક્ષી લક્ષ્ય પર કામ કરી રહ્યા છે. આ દિશામાં વિશ્વની અનેક કંપનીઓ પ્રયોગ કરી રહી છે. કાર્બન પ્રદૂષણ ઘટાડવાનો એક સૌથી અસરકારક ઉપાય કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ (સીસીએસ) છે. તે હેઠળ CO2નું વાતાવરણમાં ઉત્સર્જનને બદલે ખાસ રીતે કેપ્ચર કરવામાં આવે છે અને જમીનની નીચે સ્ટોર કરવામાં આવે છે.
ઇટાલીની એક એનર્જી કંપની એની પ્રદૂષણ ફેલાવનારી ઇન્ડસ્ટ્રીઝમાંથી કાર્બન ડાયૉક્સાઇડને લઇને જૂના પ્રાકૃતિક ગેસ ભંડારમાં સ્ટોર કરવા માટે પાઇપલાઇનનું એક નેટવર્ક બનાવવાની યોજના પર કામ કરી રહી છે. એનીનો દાવો છે કે આ કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ પ્રક્રિયાથી મોટા પાયે પ્રદૂષણ ઘટાડવામાં, બચત કરવામાં તેમજ નવી નોકરીનું સર્જન કરવામાં મદદ મળશે. આ કંપની પહેલાથી જ ક્રૂડ અને ગેસના વેચાણના ક્ષેત્રમાં કામ કરી રહી છે પરંતુ ક્લાઇમેટ ચેન્જની ચિંતાઓને કારણે તેને પોતાનું ભવિષ્ય અનિશ્ચિત નજરે પડી રહ્યું છે. એનીના અધિકારીઓના અનુમાન અનુસાર તેઓ કંપનીના અત્યારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે ક્રૂડ ઓઇલના કુવા અને પાઇપલાઇનનો ઉપયોગ કાર્બન કેપ્ચરિંગ તેમજ સ્ટોરેજ માટે કરી શકે છે.
કંપની કેસલબોરસેટીમાં ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી નીકળતા અંદાજે અડધા કાર્બન ડાયૉક્સાઇડને કેપ્ચર કરવા માટે અંદાજે 100 મિલિયન યુરો (અંદાજે 903 કરોડ રૂપિયા) ખર્ચ કરી રહી છે. કામ અનેક હદ સુધી પૂર્ણ થઇ ચૂક્યું છે અને ટૂંક સમયમાં જ કાર્બન ડાયૉક્સાઇડને એક નવા કુવાના માધ્યમથી અંદાજે 12 માઇલ દૂર અને દરિયાની સપાટીથી 10,000 ફૂટ નીચે એક ગેસ સેગમેન્ટમાં મોકલવાનું શરૂ કરવામાં આવશે. જો પહેલો તબક્કો સફળ થઇ જશે તો એક મોટી યોજના શરૂ કરવામાં આવશે જેનો પ્રારંભિક ખર્ચ 1.5 અબજ યૂરો (અંદાજે 13,500 કરોડ રૂપયિા) થશે. તેમાં ઇટલી અને ફ્રાન્સના કારખાનાને જોડવામાં આવશે અને 1.6 કરોડ ટન સુધી કાર્બન ડાયૉક્સાઇડને ખેંચીને સમુદ્રની હેઠળ દફનાવવામાં આવશે. ગ્રાહકોનું દબાણ અને કાર્બન પર લાગતો ટેક્સ વ્યવસાયોને કાર્બન કેપ્ચર પ્રોજેક્ટ્સ પર ગંભીરતાપૂર્વક વિચારવા માટે પ્રેરિત કરી રહ્યું છે.