હવે મા-બાપે પણ પોતાનો પુત્ર પરત આવશે તેવી આશા છોડી દીધી હતી કારણ કે તેના અપહરણને 24 વર્ષનાં વહાણાં વીતી ગયાં હતાં. અમરેલીના લોહાણા પરિવારના પોણા ચાર વર્ષના બાળકનું 24 વર્ષ પહેલાં અપહરણ થયું હતું. હવે આટલાં વર્ષે આ પરિવારને પોતાનું સંતાન પરત મળવા જઇ રહ્યું છે. હરિયાણાથી એક યુવાન પોતાનાં માતા-પિતાને શોધતા ગુજરાત આવ્યો છે. આ યુવાન અપહ્યત જાગૃત અઢિયા જ છે તેની ખરાઇ કરવા પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે. તા. 10/3/2000ને શુક્રવાર, સમય સાંજના 5:30 કલાક. અમરેલીના મણીનગરમાં રહેતા જિતેન્દ્રભાઇ વિઠ્ઠલભાઇ અઢિયાના પોણા ચાર વર્ષના પુત્ર જાગૃતે બાજુના રવિનગરમાં કાકાની સાથે રહેતાં બા પાસે જવાની જીદ કરી. માતા આરતીબેને બાનું ઘર થોડા અંતરે જ હોઈ પુત્રને એકલો જ ત્યાં જવા માટે મોકલી દીધો પરંતુ આ બાળક કયારેય બા સુધી પહોંચી શકયો નહીં. રસ્તામાં જ કોઇએ તેનું અપહરણ કરી લીધું. શહેરમાં હોહા થઈ ગઇ, સમગ્ર તંત્ર બાળકની શોધમાં લાગ્યું પણ ભાળ મળી ન હતી.
7/4/96ના રોજ જન્મેલા જાગૃતના અપહરણકાંડે ગુજરાતભરમાં ચકચાર મચાવી હતી. શહેરમાં અનેક આંદોલનો થયાં, ખાસ તપાસ ટીમો નિમાઈ, ઠેકઠેકાણે આવેદન અપાયાં પરંતુ જાગૃતની ક્યાંય ભાળ ન મળી સમય વીતતો ગયો અને મામલો ઠંડો પડી ગયો. આટલાં વર્ષો પછી પરિવારને હવે પુત્ર પરત આવશે તેવી આશા ન હતી. પરંતુ એક યુવાન જાગૃત બનીને પરિવાર સામે આવીને ઊભો છે. હરિયાણાનો પ્રફુલ ભગવાનદાસ નામનો યુવાન છેલ્લાં બે વર્ષથી ગુજરાતમાં પોતાનાં મા-બાપને શોધી રહ્યો છે. હરિયાણામાં ડેરીનો વ્યવસાય કરતાં પાલક માતા-પિતાએ છેલ્લાં 24 વર્ષથી તેનો ઉછેર કર્યો છે. 24 વર્ષ પહેલાં એક ટ્રકચાલક બાળકને એક ઢાબા પર મૂકી ગયો હતો અને તે ગુજરાતનો છે તેમ કહ્યું હતું. જુદાંજુદાં બે-ત્રણ ઘરે ફર્યા બાદ આખરે આ બાળકનો ઉછેર ભગવાનદાસે કર્યો હતો.